દિવ્યાંગ બાળકો સાથે ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખાએ કરી રક્ષાબંધનની ઉજવણી કરી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભારત વિકાસ પરિષદ, જૂનાગઢ શાખાના સભ્ય પરિવારના ભાઈઓ-બહેનોએ વિજાપુર સ્થિત દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનની હૃદયસ્પર્શી ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદની બહેનોએ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી પ્રેમ અને આત્મીયતાપૂર્વક રાખડી બાંધી હતી. આ પ્રસંગે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી તેમના સાથે આનંદની પળો વિતાવવામાં આવી હતી. ભાઈ-બહેનના સ્નેહથી ભરાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્ષાબંધન પર્વની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડતાં દિવ્યાંગ બાળકોને સાથે રાખીને ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બાળકોના હાથે વૃક્ષોનું વાવેતર કરાવી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સ્નેહનું પર્વ નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે આત્મીયતાનો સંબંધ બાંધવાનું અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશી વહેંચવાનું પણ પર્વ છે. દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ તેમને સમાજથી અલગ નહીં પરંતુ સમાજના અભિન્ન અંગ તરીકે સન્માન અને આત્મીયતાની અનુભૂતિ કરાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ, સ્નેહ અને માનવતાથી ભરેલું વાતાવરણ સર્જાયું હતું. દિવ્યાંગ બાળકો સાથે રાખડી બાંધવાથી લઈને આઈસ્ક્રીમ ખવડાવવા તથા વૃક્ષારોપણ સુધીની વિવિધ પ્રવૃત્તિઓમાં ભારત વિકાસ પરિષદના સભ્યો અને બાળકો વચ્ચે પરિવાર જેવી આત્મીયતા જોવા મળી હતી. દિવ્યાંગ બાળકોના ચહેરા પર જોવા મળેલું નિર્દોષ સ્મિત અને તેમની ખુશીની પળોએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. ભારત વિકાસ પરિષદ, જુનાગઢ શાખા દ્વારા રક્ષાબંધન પર્વને સેવા, સંવેદના, સ્નેહ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ઉજવી સમાજમાં માનવતાનું સુંદર ઉદાહરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું.


