AI ને લઈને બીલ ગેટ્સની ગંભીર ચેતવણી : નોકરીઓ જ નહીં બચે

AI ને લઈને બીલ ગેટ્સની ગંભીર ચેતવણી : નોકરીઓ જ નહીં બચે

(એજન્સી)          ન્યૂયોર્ક તા.ર૮
AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ITથી લઈને એજ્યુકેશન સેક્ટર સુધીમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. AIને કારણે ઘણી નોકરીઓ પણ જઈ રહી છે. પરંતુ, હવે માઈક્રોસોફ્ટનાં સંસ્થાપક બિલ ગેટ્સે આ અંગે મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે માણસ આવનારા વર્ષોમાં AI જે બદલાવ લાવી શકે છે, તેના માટે હજુ તૈયાર નથી. તેમનું કહેવું છે કે AIને કારણે ઝડપથી થનારા બદલાવ માટે દુનિયાએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી પડશે. તેમના મતે તેની અસર નોકરીઓ, સરકાર, કારોબાર અને અહીં સુધી કે માનવીય સંબંધો પર પણ પડી શકે છે. પોતાના તાજેતરના બ્લોગ પોસ્ટ ‘The turbulent AI era is here. The choices we make now are critical'માં ગેટ્સે AIથી મળનારા ફાયદા અને તેનાથી જોડાયેલા જોખમો પર વાત કરી છે. તેમણે AIના સમયમાં બદલાવને માનવ ઇતિહાસના સૌથી ઉથલપાથલવાળા સમયમાંનો એક ગણાવ્યો છે. ગેટ્સ માને છે કે AI ડોકટરો અને શિક્ષકોની મદદ કરવા, ખેતીને બહેતર બનાવવા અને સરકારી સેવાઓમાં સુધાર લાવવા જેવી ઘણી વસ્તુઓ કરી શકે છે. પરંતુ સાથે જ તેમણે ચેતવણી આપી કે સમાજ હજુ તે મોટા બદલાવ માટે તૈયાર નથી, જે આ ટેકનોલોજી લાવી શકે છે.