જૂનાગઢમાં ૧૯ અને ૨૧ વર્ષના કોલેજીયનોએ ર વર્ષમાં ૩ ઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજી ૧૦ લાખનું ટર્ન ઓવર કર્યું
ઈ સ્પોર્ટસનો વિકાસ કરવા તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાસ નિતિ તૈયાર કરી કાયદાની જાેગવાઈ પણ કરી છે ગેમર બન્યા બાદ ખબર પડી કે જૂનાગઢમાં કોઈ આયોજન કરનાર જ નથી એટલે પોકેટમનીના ૬૦ હજાર રોકીને શરૂઆત કરી
જૂનાગઢ તા.૨૮
આપણા દેશમાં કોલેજમાં ભણતા અનેક યુવાનો નવું સ્ટાર્ટ અપ કે કોઈ બિઝનેસ શરૂ કરી તેમાંથી સારી એવી કમાણી કરીને પોતાની કારકિર્દીને ટોચના શિખરે લઈ જતા હોય છે. પણ હજી જે ઉદ્યોગ ભારતમાં પાપા પગલી માંડી રહ્યો છે અને કેન્દ્ર સરકારે જેના માટે નિતી નક્કી કરી છે એ ઈ સ્પોર્ટસની આગામી સમયમાં વધનાર ડીમાન્ડને લઈને તેની ટુર્નામેન્ટોના આયોજનની તકો પણ વિપુલ પ્રમાણમાં છે. ત્યાં સુધી કે ખુદ જીયો જેવી કંપની પણ આ ક્ષેત્રે પદાર્પણ કરી રહી છે. જૂનાગઢના દોલતપરામાં રહેતો પ્રિન્સ રેણુકા (ઉ. ર૧) અને તેની બાજુમાંજ રહેતા ધ્રુમિલ સોલંકીની આ વાત છે. બંને જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રિન્સ ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં અને ધ્રુમિલ બીબીએમાં ભણે છે.
પોતાની ઈ સ્પોર્ટસની કારકિર્દી અંગે ધ્રુમીલ કહે છે, હું પોતે એક ગેમર હતો. જ્યારે પ્રિન્સ ગેમર નહોતો. પણ પહેલેથીજ તેના મગજમાં કંઈક ધંધાકિય સાહસ કરવાનાજ વિચારો આવતા. અમે બંને નાનપણથીજ મિત્રો છીએ. હું ગેમર હતો પણ જૂનાગઢમાં તેનું આયોજન કરનાર કોઈ નથી. એટલે અમે તેનું આયોજન કરવાનો વિચાર કર્યો. અમને તો ઈ સ્પોર્ટસ એટલે શું એની ખબર હતી. પણ અમારે એ સાહસ કરવા માટે સૌથી પહેલાં તો અમારા ઘરોમાં આખો આઈડિયા સમજાવવો પડ્યો. ઘરમાં બધા માન્યા પછીયે ફંડિંગ માટે અમારી પોકેટમનીમાંથી કરેલી બચતને તેમાં રોકવા માટે ફેમિલીમાં બધાને મનાવવા પડ્યા. અમારા બંને પાસે કુલ રૂા.૬૦ હજારની સેવીંગ્સ હતી. પછી આયોજનમાં બધા ભાગ લે એ માટે અમારે સૌથી પહેલાં તો અમારી કોલેજમાં બધા કલીગ્સ ઉપરાંત જુનિયરો અને સિનિયરોને સમજાવી કેવી રીતે ઈ સ્પોર્ટસ રમાય એનું કાઉન્સેલીંગ કરવું પડ્યું. સાથે પ્રોફેસરોને પણ સમજાવવા પડ્યા કે ઈ સ્પોર્ટસ અને મોબાઈલ પર રમાતી ગેમ્સમાં શું ફરક છે. આ સ્પોર્ટસ કેવી રીતે સ્ટુડન્ટ્સના સ્કીલ ડેવલપમેન્ટ માટે ઉપયોગી છે એ વાત તેમના મગજમાં ઉતારવી પડી. બધા સહમત થયા અને અમને કોલેજના એસી કુલીંગવાળા ઓડિટોરિયમનો ઉપયોગ કરવાની પરવાનગી મળી. પણ એ પછી અમારે ગેમર્સને તૈયાર કરવા, સાથે વાઈફાઈની હાઈફ્રિકવન્સીની વ્યવસ્થા, ફૂડ, ઈલેક્ટ્રિસિટી, સહિતની વ્યવસ્થા જાતે ઉભી કરવી પડી. જેમાં અમારી બચત વપરાઈ. જાેકે, સાથે ગેમમાં ભાગ લેનાર ટીમો પાસેથી ચાર્જ લીધો એમાં તેની ભરપાઈ પણ થઈ ગઈ. પણ એમાં અમને રપ૦ ગેમર્સ ઉપરાંત ઓડિયન્સના ૪૦૦ થી પ૦૦ લોકોને હેન્ડલ કરવા પડ્યા. ગ્રાઉન્ડ મેનપાવરની પણ જરૂર પડી. ગેમની ટુર્નામેન્ટ ચાલતી હોય ત્યારે સતત રનીંગ કોમેન્ટરી પણ ચાલુ જ હોય. આથી કોમેન્ટેટર પણ જાેઈએ. તેની પણ વ્યવસ્થા ઉભી કરી. તો ગેમમાં કોઈ હેકીંગ ન કરે એ માટે આઈટી એક્સપર્ટ થકી સતત સર્વેલન્સ કરવું પડે એ તો ખરુંજ. આ ઉપરાંત વિજેતાઓને સર્ટીફિકેટ, ટ્રોફી, કેશ પ્રાઈઝ આપવાનાં હોય.
અમારી પહેલી ઈ સ્પોર્ટસ ટુર્નામેન્ટ તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૪ ના રોજ યોજી હતી. તેમાં અમને ખર્ચ બાદ કરતાં રૂા.૧૦ હજારની આવક થઈ. એ પછી બીજી બે વખત અમે આયોજન કર્યા. જેમાં એકમાં તો અમારે પાંચેક હજાર રૂપિયાની નુકસાની પણ વેઠવી પડી. આ ત્રણ ટુર્નામેન્ટમાં કુલ ર૦૦૦ ગેમર્સે ભાગ લીધો. ત્રણેયમાં કુલ મળી અમને રૂા.૧૦ લાખનું ટર્ન ઓવર થયું. જાેકે, તેમાં નફો તો રૂા. ૬૦ હજારજ હતો. આમ છતાં અમને જે શીખવા મળ્યું એ અમારા માટે એક પ્રકારની પ્રોપર્ટી થી ઓછું નથી. અત્યારે અમે વિક્ટ્રિવર્સ ઈ સ્પોર્ટસ નામથી અમારા એમએસએમઈ સ્ટાર્ટ અપને રજીસ્ટર કરાવ્યું છે. આગામી સમયમાં જૂનાગઢ લેવલેથી ગેમર્સને તૈયાર કરીને વર્લ્ડ કપ અને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલવાનું વીઝન છે.
ક્રીકેટર્સ, સ્પોર્ટસ પર્સન જેવીજ આવક ગેમર્ની પણ હોય છે
ઈ સ્પોર્ટસનાં ગેમર્સનો પણ ક્રિકેટરો, એથ્લીટો બે બીજા સ્પોર્ટસ પર્સન જેવોજ દબદબો હોય છે. તેઓને ટુર્નામેન્ટોમાંથી આવક થાય છે. આ ઉપરાંત હવે તો મોબાઈલ અને તેની એસેસરીઝ બનાવતી કંપનીઓ પણ પોતાના નવા મોડેલ કે પ્રોડક્ટસનું લોન્ચીંગ તેમના હાથે કરાવે છે. ગેમ બનાવતી કંપનીઓ પણ આ માટે ફંડિંગ કરતી હોય છે.
હાલ બધી ગેમ વિદેશની કંપનીઓ જ બનાવે છે
આપણા દેશમાં ઈ સ્પોર્ટસની ગેમ બનાવનાર કંપનીઓ ખુબજ ઓછી છે. એક સુરતની કંપનીએ જાેકે, ગ્લોબલ લેવલની ગેમ ડેવલપ કરી છે ખરી. બાકી મોટાભાગની ગેમ્સ વિદેશની કંપનીઓજ બનાવે છે. તેમાં અમેરિકન કંપનીઓ વધુ છે.
ગેમ બનાવનાર કંપની આ રીતે કમાણી કરે છે
ગેમ બનાવનાર કંપનીને બજારમાં ઉપયોગમાં લેવાતી ચાલુ અથવા નવી લોન્ચ થનાર કંપનીઓની પ્રોડક્ટોની જાહેરાતોમાંથી આવક થતી હોય છે. જાે સ્થાનિક કક્ષાએ કોઈ બીજાએ આયોજન કર્યું હોય તો તે પણ ગેમનો ઉપયોગ કરવા બદલ કંપનીને ચાર્જ ચૂકવે છે. આ રીતે કંપની કમાય છે.
આ રીતે રમાય છે ઈ સ્પોર્ટસની ટુર્નામેન્ટ
ઈ સ્પોર્ટસ એટલે આપણે મોબાઈલમાં જે ગેમ રમીએ છીએ એ નહીં. અને છતાંય એ રમાય છે તો મોબાઈલ ફોનમાંજ. ફરક એટલો કે, આમાં ભાગ લેનારા બધા ભલે મોબાઈલ પર ઓનલાઈન રમતા હોય. પણ તેઓએ એકજ સમયે એકજ સ્થળે એકઠા થવાનું હોય છે અને નક્કી કરેલી ગેમમાં પોતાની ટીમ સાથે ઉતરવાનું હોય છે. તેના નિયમો નક્કી થયેલા હોય છે. દરેક ટીમનો એક કેપ્ટન પણ હોય છે. તેને આઈજીએલ એટલેકે, ઈન ગેઈમ લીડર કહેવામાં આવે છે. મોટાભાગની ગેમમાં ૪-૪ લોકોની એક એવી કુલ રપ ટીમ હોય છે. તેનાથી વધુ પણ હોઈ શકે. ભાગ લેનાર ટીમે તેના સદસ્ય દીઠ રૂા. પ૦ થી ૧૦૦ ફી ચૂકવીને એક સર્વરમાં લોગીન આઈડી અને પાસવર્ડ સાથે કનેક્ટ થવાનું હોય છે. બધા ગેમર્સ સર્વરમાં જાેઈન થયા બાદ આયોજક સ્ટાર્ટ બટન દબાવે એટલે ટુર્નામેન્ટ શરૂ થાય. તેમાં ટીમને તેની રમવાની સ્ટ્રેટેજી મુજબ પોઈન્ટસ મળતા જાય. અંતે સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર વિજેતા બને છે. આપણા દેશમાં ઈ સ્પોર્ટસ રૂપિયા ૧પ હજાર કરોડની ઈકોનોમી છે. એટલેજ સરકારે તેના માટે નિતી બનાવી છે. જે ગેમ રમાય એ કોઈ કંપનીએ બનાવી હોય છે. આયોજન કરનારે એ કંપનીને તેનો ચાર્જ ચૂકવવો પડે. જાેકે, ઘણી વખત કંપની પોતે પણ આયોજકને શોધીને તેને ટુર્નામેન્ટ યોજવાનું કહે છે. જેમાં બધું ફંડીંગ ગેમ બનાવનાર કંપનીજ કરે છે. એમાં ગેમર્સે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. પણ જાે જીતે કે સારૂ પરફોર્મ કરે તો તેને ટ્રોફી ઉપરાંત સારી એવી કેશ પ્રાઈઝ મળે ખરી.


