સોરઠ પબ્લિક સ્કૂલની દીકરીઓએ રક્ષાબંધન નિમિત્તે Indian Navy-Dwarkaના જવાનોને રાખડી બાંધી અનોખી પહેલ કરી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૮
ઇન્વિન્સિબલ એનજીઓ છેલ્લા ૧૩ વર્ષથી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી, સાહસ અને સેવાભાવનું સિંચન કરતી ભારતની અગ્રણી યુવા સંસ્થા છે. કેમ્પિંગ, ટ્રેકિંગ, પર્યાવરણ સંરક્ષણ, હેરિટેજ, યુવા નેતૃત્વ તેમજ વિવિધ રાષ્ટ્રલક્ષી અભિયાનો દ્વારા સંસ્થાએ લાખો યુવાનોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી માટે પ્રેરિત કર્યા છે. રક્ષાબંધનના પવિત્ર અવસરને અનુલક્ષીને ઇન્વિન્સિબલ એનજીઓ અને યુવા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે “રાખી ટુ આર્મ્ડ ફોર્સેસ”અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રાખડીઓ એકત્રિત કરી ભારતના સરહદ પર દેશની રક્ષા કરી રહેલા સૈનિકોને રાખડીઓ બાંધવામાં આવી જેથી આપણા જવાનો સુધી દેશવાસીઓના પ્રેમ, સ્નેહ અને કૃતજ્ઞતાનો સંદેશ પહોંચે અને તેઓ રક્ષાબંધનનો પર્વ પોતાના પરિવારથી દૂર હોવા છતાં સમગ્ર દેશના પરિવાર સાથે ઉજવી શકે. આ અભિયાનમાં સોરઠ પબ્લિક સ્કૂલની દીકરીઓ દ્વારા ૨૫૦ રાખડીઓ સરહદ પર તૈનાત ભારતીય સશસ્ત્ર દળોના જવાનોને મોકલવા માટે અર્પણ કરવામાં આવી હતી. ચેરમેનશ્રી વડાલીયા સરના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશના વીર જવાનો પ્રત્યે આદર, સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આ અભિયાનમાં સહભાગી બની રક્ષાબંધનના પર્વને સાચા અર્થમાં રાષ્ટ્રીય એકતાના ઉત્સવમાં પરિવતિર્ત કર્યો હતો.


