વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ તોફાની બન્યું
વિકાસકામો તેમજ બેઠે થાળે ટેન્ડર આપવાના મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ મહાનગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક આજે વિપક્ષના વિરોધ વચ્ચે ભારે તોફાની બન્યું હતું. જનરલ બોર્ડમાં વિકાસકામો તેમજ બેઠા થાળે ટેન્ડર આપવાના મુદ્દે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા તેમજ કોર્પોરેટરો દ્વારા ભારે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલીકાની જનરલ બોર્ડની આજે મળેલી મહત્વની બેઠક ધારણા મુજબ જ વિપક્ષના વિરોધ વચ્ચે તોફાની બની હતી. આ બેઠકમાં શાસક પક્ષ તરફથી બે જ મુદ્દાનો એજન્ડા જારી કરવામાં આવ્યો હતો જેમાં ર૦૦ દુકાનદારોના લાઈસન્સ રદ્દ કરવા બાબતે ચર્ચા-વિચારણા તેમજ હાઉસટેકસની મુદ્દતમાં વધારો કરવા બાબતની દરખાસ્ત હતી. આમ બે મુદ્દાઓ પર આજની આ બેઠકની કાર્યવાહી કરવાનો શાસક પક્ષ દ્વારાનિર્દેશ આપ્યો હતો તો સામે વિપક્ષ દ્વારા અનેક મુદ્દા અને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જૂનાગઢ મનપાના વિરોધપક્ષના નેતા લલીતભાઈ પણસારા અને શહેનાજબી કાદરીએ શાસક પક્ષ દ્વારા મંજુર થયેલા જંગી ટેન્ડરોની પારદર્શકતા સામે સવાલો ઉઠાવ્યા હતા. મનપા દ્વારા રૂા.ર૭પ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા માત્ર ૮૮ કરોડની જ સૈધાંતિક મંજુરી મળી છે. તો બાકીના રૂા.૧૮૭ કરોડના કામો જે સ્વ ભંડોળમાંથી કરવાના છે તે માટે મનપા પાસે પુરતુ ભંડોળ ઉપલબ્ધ છે કે કેમ ? તે અંગેનો ખુલાસો માંગવામાં આવેલ. બીજી તરફ સહેનાજબી કાદરીએ ઓકટોબર ર૦ર૩ માં મંજુર થયેલા રૂા. ર૩૬.૮૮ કરોડના ર૯૧ કામોનો હિસાબ માંગ્યો છે. નવેમ્બર ર૦રપ સુધીમાં આમાંથી કેટલા કામો પૂર્ણ થયા ? અને કેટલા રદ્દ કરવામાં આવ્યા ? ઉપરાંત ર૭પ કરોડના ટેન્ડરોની શરતો અને એજન્સીના ભાવો અંગે પણ રજુઆત કરવામાં આવી હતી. શહેરની સ્વચ્છતાને લઈને પણ વિપક્ષ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. ખાસ કરીને રૂા.પ કરોડનું લેગેસ્કી વેસ્ટ કચરાના નિકાલ માટેનો જે ટેન્ડર બેઠા થાળે આપવાની કામગીરી સામે પણ વિરોધપક્ષનો જાેરદાર વિરોધ છે. પ્રજાકીય પ્રશ્ને માળખાકીય સુવિધાના બાબતે તેમજ અનેક ટેન્ડરો બેઠા થાળે આપવાના કોર્પોરેશનના નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આજની આ બેઠક ધાર્યા મુજબ જ તોફાની બની હતી. જૂનાગઢ કોર્પોરેશનમાં વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા અનેકમુદ્દે રજુઆતો અને વિરોધ પણ કર્યો હતો.


