‘બસ બહુ થયું હવે - વાતો નહી ચાલે’’ જવાહર ચાવડા અચાનક સક્રિય થતાં સ્થાનીક રાજકારણ ગરમાયું
અત્યારથી જ ર૦ર૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહયા હોવાની ચર્ચા
જૂનાગઢ તા.રપ
જૂનાગઢના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી રાજકારણમાં સક્રિય થયા છે. છેલ્લા લાંબા સમયથી ભાજપથી નારાજ જાેવા મળી રહેલા જવાહર ચાવડાએ બેરોજગારીના મુદ્દાને સપાટી પર લાવી ‘રોજગાર સહાયતા અભિયાન‘ શરૂ કર્યું છે. થોડા સમય પહેલાં ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો મૂકીને પોતાના મનની વાત રજૂ કરી હતી. આ સંદેશમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘બસ બહુ થયું હવે, વાતોથી નહીં ચાલે’.
૨૪ નવેમ્બરના રોજ જવાહર ચાવડાએ વધુ એક વીડિયો પોતાના ફેસબુક અકાઉન્ટ પર મુક્યો છે. જેમાં તેમણે બેરોજગારી- પેપર લીક મુદ્દે યુવાનો સાથે સંવાદ કરીને તેઓની પીડા વર્ણવી છે. તો સરકારી વિભાગોમાં સંકલનની અભાવ અને વ્યવસ્થાના અભાવ પર કટાક્ષ કર્યા છે. આ સાથે જ આપણે પણ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, ભૂલો સ્વીકારીને સુધારવાની અપીલ પણ કરી છે. હાલ ચાવડાના આ અભિયાન થકી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જવાહર ચાાવડાએ યુવાનોમાં ફેલાયેલી હતાશાનું મુખ્ય કારણ રજૂ કરતાં કહ્યું કે, વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે. આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે અને આ એક સામાજિક જવાબદારી છે, જેમાં આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ.
જવાહર ચાવડાએ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી તાલુકા મથકો પર જઈને બેરોજગાર યુવાનો અને મહિલાઓની વ્યથા સાંભળવાનો ર્નિણય કર્યો હતો. આ અભિયાન થકી તેઓ બેરોજગારોની રજૂઆતોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે.
ચાવડાએ બેરોજગારીમાં મહિલાઓના સંઘર્ષ પર પણ ખાસ ધ્યાન દોર્યું છે. અગાઉંના બી.પી.એલ. સહાયતા અભિયાનના અનુભવને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, દુ:ખની વાત એ છે કે આજે પણ મહિલાઓ માટે રોજગારી એક વિકટ સમસ્યા બની રહી છે. જવાહર ચાવડાએ મહિલા રોજગાર સંબંધિત આ ગંભીર સમસ્યાઓ પર ધ્યાન દોર્યું, જેમાં શિક્ષિત મહિલાઓ માટે યોગ્ય નોકરીઓ ભ્રષ્ટાચારને કારણે તેમના સુધી પહોંચતી નથી. ભણેલી દીકરીઓને પણ યોગ્ય તકો મળતી નથી. વિધવા માતાઓ નિ:સહાય અને પરાવલંબી જીવન જીવવા મજબૂર છે. શહેરોમાં પણ મહિલાઓને સમાન વેતન અને તકો મળતી નથી.
લોકસભા અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જૂનાગઢ ભાજપમાં ચાલતી જૂથબંધી સપાટી પર આવી છે. આવા સમયે, જવાહર ચાવડાનું બેરોજગારી જેવા સંવેદનશીલ મુદ્દે અભિયાન શરૂ કરવું એ રાજકીય રીતે ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે.
રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આ અભિયાન થકી ચાવડાએ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને તેઓ ભાજપમાં પોતાની નારાજગી સાથે એક મજબૂત જનાધાર ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાવડાએ પોતાના સંદેશના અંતે "રોજગાર સહાયતા અભિયાન" ને યુવાનોના હિતમાં ગણીને આ મુદ્દાને ગંભીરતાથી લેવા વિનંતી કરી છે અને લોકોના પ્રતિભાવોની અપેક્ષા વ્યક્ત કરી છે.
જવાહર ચાવડા અચાનક ફરી સક્રિય થયા છે. ગોપાલ ઈટાલિયાની જીત બાદ તેઓ ફરીથી જાહેર સભાઓ યોજી રહ્યા છે અને તાજેતરમાં જવાહર ચાવડા આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજર પણ રહેતા રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. તેમની આ હાજરીથી તેઓ ભાજપ છોડીને આપમાં જાેડાશે તેવી અટકળોએ જાેર પકડ્યું છે.
જૂનાગઢ જિલ્લાના રાજકીય વર્તુળોમાં અલગ રંગો દેખાય રહ્યા છે. કારણ કે વર્ષોથી નિષ્ક્રિય બેઠેલા પૂર્વક કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વિસાવદર વંથલી માણાવદર પંથકમાં બેઠકો શરૂ કરી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી બાદ, લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને આહીર સમાજના અગ્રણી જવાહર ચાવડા ફરીથી સક્રિય થતાં ચર્ચાઓએ જાેર પકડ્યું છે.


