જૂનાગઢમાં નીકળતી કચરાગાડી કચરો એકઠો કરવાના બદલે કચરો વેરતી હોવાની લોકોમાં ફરીયાદ
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાની કામગીરી માટે શહેરીજનો પાસેથી સુકો અને ભીનો કચરો અલગથી મંગાવતી અને વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકરની કચરા અંગેની જાહેરાત કરતી લીલી ગાડીઓ દિવસ દરમ્યાન અને સાંજના સમયે પણ સતત દોડતી રહે છે અને જે તે વિસ્તારમાં આવેલી ગાડીઓ લાઉડ સ્પીકર ઉપર કચરાની સુચના જારી કરે છે. અડધો કલાકનાંં અંતરે જે તે વિસ્તારમાં આવી ગાડીઓ સ્ટોપ કરે છે. વિસ્તારનાં લોકો, દુકાનદારો કે લારી ધારકો પોત-પોતાનો કચરો લેવા આવેલી ગાડીમાં ઠાલવે છે. અને ત્યારબાદ કચરા ગાડી રવાના થાય છે. હવે મુખ્ય વાત એ છે કે કચરા ગાડીમાં કચરાના ગંજ ખડકાયા હોય છે. ઉપરાંત ગાડીની બંને સાઈડમાં પણ ઝભલાઓ લટકાવ્યા હોય છે અને આ કચરા ગાડી પછી પુરજાેશથી દોડવા લાગે છે. ભારે સ્પીડમાં આવતી આ ગાડી રસ્તે જતાં રાહદારીઓને પણ ઘસાઈને ઘણીવાર જતી હોવાના બનાવો બન્યા છે તો બીજીતરફ પુરપાટ રીતે દોડતી જતી આ ગાડીમાં શહેરનાં આ ખાડાગઢમાંથી પસાર થતી વખતે ઉછળે છે. અને જેના કારણે બંને સાઈડમાં લટકતા ઝબલામાંથી અને ગાડીમાંથી કચરો રોડ ઉપર વેરાતો જતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ત્યારે સંપુર્ણ કાળજી સાથે કચરા ગાડી શહેરમાં હરે ફરે અને બીન જરૂરી ચરો ઠેક ઠેકાણે ન વેરે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની આમ જનતાની માંગણી છે.


