વિસાવદર બસસ્ટેશનમાંથી અપહરણ કરી ધારી તાલુકાનાં મોણવેલ ગામની સીમમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરનાર ૬ આરોપીની ધરપકડ

ભોગ બનેલી પરીણિત મહિલા કે જેના છૂટાછેડા થયેલ છે અને હાલ પિયરમાં રહેતી હતી તેને ફેસબુકનાં માધ્યમથી આરોપી શખ્સ સાથે સંપર્ક થયો હતો અને વિસાવદર મળવા બોલાવી હતી ત્યાંથી મોટર સાયકલમાં મોણવેલ ગામની સીમમાં લઈ જઈ દૂષ્કર્મ આચર્યુ હતું : આરોપીઓનાં ત્રણ દિવસનાં રીમાન્ડ મંજુર થતા ઉલટ તપાસ ચાલી રહી છે : ડીવાયએસપી હિતેષ ધાધલીયા

વિસાવદર બસસ્ટેશનમાંથી અપહરણ કરી ધારી તાલુકાનાં મોણવેલ ગામની સીમમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરનાર ૬ આરોપીની ધરપકડ

જૂનાગઢ તા. ૧૭
તાજેતરમાં વિસાવદર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું અપહરણ કરી અને ધારી તાલુકાનાં મોણવેલ ગામની સીમમાં ૬ શખ્સોએ સામુહિક દુષ્ક્રૃત્ય કર્યા અંગેનો બનાવ બનવા પામતા ભારે ચકચાર જાગી ઉઠી હતી. આ બનાવનાં અનુસંધાને જૂનાગઢનાં ડીવાયએસપી હિતેશ ધાધલીયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી અને ગણતરીનાં સમયગાળામાં જ છએ છ આરોપીઓની ધરપકડ કરી અને તેને રીમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીઓના ૩ દિવસનાં રીમાન્ડ મંજુર થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર બસ સ્ટેન્ડમાંથી ભોગ બનનાર મહિલાનું અપહરણ કરવામાં આવેલ હતું. અને તેને મોણવેલ ગામે લઈ જઈ ત્યાં તેનાં ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપી મુનો ભરવાડ મો. નં. ૭૮૬ર૮૩૦પ૮૮વાળો શખ્સ તેમજ અન્ય ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી અને સામુહિક દુષ્કર્મનાં આ બનાવનો ભેદ ખોલી અને આરોપીઓની ધરપકડ કરી છે દરમ્યાન આજરોજ જૂનાગઢનાં ડીવાયએસપી તેમજ એસટી એસસી સેલનાં ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાધલીયાએ મિડીયાને આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે ભોગ બનનાર મહિલા પરણીત છે અને છુટાછેડા થયેલ છે. અને તે પિયરમાં રહે છે. આ મહિલાને ફેસબુકનાં માધ્યમથી મોણવેલ ગામનાં વિપુલ ગોહીલ સાથે ઓળખાણ થઈ હતી. અને આ દરમ્યાન વિપુલ ગોહીલે તેને મળવા માટે બોલાવવામાં આવતાં તા. ૧ર માર્ચનાં રોજ તે વિસાવદર ખાતે રાત્રીનાં ૯ વાગ્યે આવી હતી. અને ત્યાં વિપુલ ગોહીલ તેને મળ્યો હતો. અને આ મહિલાને તેણે મોટર સાયકલ ઉપર બેસાડી અને ધારી જવાનાં રસ્તા ઉપર લઈ જઈ રહયો હતો ત્યારે ભોગ બનનાર મહિલાએ કહયું કે આપણે મળવાની વાત હતી તેમ જણાવી તેણે વિરોધ પણ કર્યો હતો. પરંતુ તેમ છતાં વિપુલ ગોહીલ તેને બળજબરીથી ધારી તાલુકાનાં મોણવેલ ગામની સીમમાં લઈ આવ્યો હતો. અને જયાં પહેલેથી જ પાંચ શખ્સો ઉપસ્થિત હતાં. જેમાં વિપુલ ગોહીલ, મનુ ઉર્ફે મુનો ટોટા, મણીભાઈ કોટડીયા, પ્રવીણ હરખાણી, મેહુલ ભાભલા, પરસોતમ  સહીત ૬ શખ્સોએ મહિલાની મરજી વિરૂધ્ધ તેના ઉપર સામુહિક દુષ્કર્મ કર્યુ હતું અને જે અંગેની ફરીયાદ ભોગ બનનાર મહિલાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દરમ્યાન ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી અને ગણતરીનાં સમયમાં જ મહિલા ઉપર દુષ્કૃત્ય આચરનાર છએ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતાં તેનાં ૩ દિવસનાં રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. અને હાલ તેમની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. છએ છ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી હિતેષ ધાધલીયાએ જણાવ્યું હતું.