જૂનાગઢ જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતમાં ૧૬ માર્ચે મુદત પૂર્ણ : ૧૭મીથી વહીવટદાર શાસન

સોરઠમાં સ્થાનિક સ્વરાજયની આગામી યોજાનાર ચુંટણી માટે તંત્ર દ્વારા તૈયારી : રાજકીય પક્ષો સાબદા

જૂનાગઢ જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતમાં ૧૬ માર્ચે  મુદત પૂર્ણ : ૧૭મીથી વહીવટદાર શાસન

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ ગ્રામ્યનાં ૯ તાલુકા પંચાયતની વર્તમાન બોડીની મુદત ૧૬ માર્ચના રોજ પુર્ણ થઈ રહી છે અને તા.૧૭ માર્ચથી વહીવટદાર શાસન શરૂ થવાનું છે અને આ સાથેજ સોરઠમાં સ્થાનિક સ્વરાજયની આગામી ચુંટણી માટે તખ્તો ગોઠવાશે. જે માટે તંત્ર દ્વારા  પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ ગ્રામ્યનાં નવ તાલુકામાં વર્તમાન શાસકોની મુદત આગામી તા. ૧૬ માર્ચના રોજ પુરી થઈ રહી છે અને ૧૭ માર્ચથી વહીવટદાર શાસન કાર્યરત બનવાનું છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીની વાત કરીએ તો જૂનાગઢ જીલ્લામાં તાજેતરમાં બેઠકોનું રોટેશન જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ચોપાટમાં ચોગઠા ગોઠવવાની કામગીરીનાં ભાગરૂપે કઈ બેઠક ઉપર કોને ટીકીટ આપવી  સહીતનાં ગણિત માંડવાની પ્રક્રીયા શરૂ કરી દીધી છે. જૂનાગઢ જીલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતમાં સત્તાસ્થાને ભાજપ છે. ભાજપશાસિત જીલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોમાં પાંચ વર્ષની શાસકોની કામગીરીને પણ ધ્યાને લેવામાં આવે છે. ઉપરાંત પક્ષીય ધોરણે અને વ્યક્તિગત પ્રતિભા, જ્ઞાતીનાં સમીકરણો આ બધીજ બાબતોને ધ્યાને લઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. ઉમેદવાર પસંદગીનું કામ તો ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ કરવામાં આવશે. જાે કે કેટલીક બેઠકો એવી છે કે, તેના ઉપરથી કોણ ઉમેદવાર ચુંટણી લડશે તે અંગે અટકળો તો થઈ રહી છે પરંતુ  ફાઈનલ તો પક્ષ મોવડી મંડળ નકકી કર્યા બાદ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવતા હોય છે. જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક, ગ્રામ્યનાં નવ તાલુકામાં ૧૪૮ બેઠકમાં ૧૬ માર્ચથી વર્તમાન શાસકોની પાંચ વર્ષની મુદત પુર્ણ થશે અને તા.૧૭ માર્ચથી વહીવટદારનું શાસન શરૂ થશે.  સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં વહીવટદાર શાસન અમલમાં આવ્યા બાદ નજીકના સમયમાં જ ચુંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી ધારણા છે. આગામી સમયમાં જૂનાગઢ જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયતની ચુંટણીઓ યોજાનાર હોય જેેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત ઉપરાંત કેશોદ નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકમાં ૧૬ માર્ચથી વર્તમાન શાસકોની પાંચ વર્ષની ટર્મ પુરી થશે અને વહીવટદારની નિમણૂંક થશે તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની મુદત પુર્ણ થયા બાદ ચુંટણી યોજાવાની છે. તેની તૈયારીના ભાગરૂપે જૂનાગઢ જીલ્લામાં તંત્ર દ્વારા રપ૧૮ ઈવીએમની ચકાસણી કાર્ય પુર્ણ કરવામાં આવ્યું છે. અને જુની પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ર૦ર૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ સહીતનાં રાજકીય પક્ષો ચુંટણી જીતવા માટે પ્રક્રીયાના ભાગરૂપે સંગઠનને વધુ મજબુત બનાવવાની કામગીરી તેમજ આમ પ્રજાનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેની કામગીરી કરી રહયા છે. દરમ્યાન વિધાનસભાની ચુંટણીઓ પહેલા આવી રહેલ જૂનાગઢ જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયતની ચુંટણીઓ ખુબજ મહત્વ ધરાવતી હોય જેથી શાસન કબ્જે કરવા રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી  છે.