‘છૂ મંતર’ સાથે જોડાયેલા હોવાની ચર્ચા પર અભય વર્માની સ્પષ્ટતા, કહ્યું- હું આ ફિલ્મનો ભાગ જ નથી

અનન્યા પાંડેના સ્થાને શ્રીલીલાની એન્ટ્રી સહિતના અહેવાલો વચ્ચે અભય વર્માએ અફવાઓ પર મૂક્યો પૂર્ણવિરામ

‘છૂ મંતર’ સાથે જોડાયેલા હોવાની ચર્ચા પર અભય વર્માની સ્પષ્ટતા, કહ્યું- હું આ ફિલ્મનો ભાગ જ નથી

મુંબઈ, તા.૨૮
‘મુંજ્યા’ અને ‘ઓપરેશન સફેદ સાગર’ જેવી કૃતિઓથી ઓળખ મેળવનાર અભિનેતા અભય વર્માએ પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી છે. છેલ્લા કેટલાક સમયથી અભય ‘છૂ મંતર’ નામની ફિલ્મ સાથે જોડાયેલો હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. જોકે, અભિનેતાએ સ્પષ્ટ કહ્યું છે કે તે આ નામની કોઈ ફિલ્મનો ભાગ નથી.
અભય વર્માના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં આ ફિલ્મને લઈને એક અફવા સામે આવી હતી અને ત્યારબાદ સતત તેના વિશે નવા અહેવાલો પ્રકાશિત થતા રહ્યા. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાથી લઈને તેની સ્ટારકાસ્ટમાં ફેરફાર થવા સુધીની અનેક વાતો તેણે પણ સમાચારોમાં વાંચી હતી. પરંતુ હકીકતમાં તે આ સમગ્ર સમય દરમિયાન પોતાના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો.
અભયે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જે પ્રોજેક્ટ્સ પર તે ખરેખર કામ કરી રહ્યો છે તેના કરતાં ‘છૂ મંતર’ અંગે વધુ ફોલોઅપ સમાચાર સામે આવતા રહ્યા. ફિલ્મમાં અનન્યા પાંડેના સ્થાને શ્રીલીલાને લેવામાં આવી હોવાની ચર્ચા પણ ચાલી હતી. જોકે, અભયના કહેવા પ્રમાણે હાલ તે પોતે આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકળાયેલો નથી.
અભિનેતાએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં કોઈ ‘છૂ મંતર’ નામની ફિલ્મ બનાવે, પરંતુ હાલમાં તેની જાણકારી પ્રમાણે આવો કોઈ પ્રોજેક્ટ તેની સાથે આગળ વધી રહ્યો નથી.
પોતાની અભિનય સફર અંગે વાત કરતાં અભયે દર્શકોને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેના ચહેરા પરનું સ્મિત પણ દર્શકોની અમાનત છે. અભિનય ક્ષેત્રમાં મળતી દરેક તક તેના માટે વિશેષ મહત્વ ધરાવે છે.
અભયે મુંબઈના આરામ નગર સાથેના પોતાના જોડાણ અંગે પણ વાત કરી હતી. ઓડિશન માટે જાણીતા આરામ નગરને તેણે પોતાના માટે ‘મક્કા’ ગણાવ્યું હતું. અભિનેતાના જણાવ્યા પ્રમાણે અભિનયની તક જ તેના માટે સર્વસ્વ છે અને તે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે.