નેપાળમાં વધુ એક જળપ્રલયનું એલર્ટ : લોકોને તત્કાલ સલામત સ્થળે ખસી જવા આદેશ
ચીને લેવલ-૪ એલર્ટ જારી કર્યું : અગાઉ કરતા પાંચ ગણો વધુ ખતરો : નેપાળ-ચીને રેસ્કયુ ઓપરેશન અટકાવ્યું : તિબેટમાં બનેલ ગ્યોરોંગ સરોવર ફાટવાની ગણાઈ રહેલી ઘડીઓ
(એજન્સી) કાઠમંડુ તા.ર૮
નેપાળમાં વધુ એક જળ પ્રલયની ચેતવણી જારી કરવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ નેપાળ અને ચીનની સરકારોએ હાઈ એલર્ટ જારી કરી દીધું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી દેવામાં આવી છે. નેપાળ-ચીન બોર્ડર પર બનેલી જીલ (સરોવર) ઓવરફલો થઈ રહ્યું છે અને આ સરોવર ફાટવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચીને લેવલ-૪નું એલર્ટ જારી કર્યું છે. જેને અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યું છે. નેપાળમાં નવા જળ પ્રલયના ખતરાને પગલે રેસ્કયુ ઓપરેશન તત્કાલ રોકી દેવામાં આવ્યું છે. ચેતવણી મુજબ નેપાળ-ચીન બોર્ડર પર વહેતી ત્રીશુલી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને અગાઉ કરતા પાંચ ગણી ઝડપથી પાણીનો પ્રવાહ આવી શકે છે. નેપાળ-ચીન બોર્ડર નજીકના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રસુઆ વિસ્તારમાં હેલીકોપ્ટરથી રેસ્કયુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. સુરક્ષા કર્મીઓને હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. ચીને પણ તિબેટમાં રેસ્કયુ ઓપરેશન રોકી દીધું છે. લોકોને માઈક પર સતત ચેતવણી આપવામાં આવી રહી છે. અને સલામત સ્થળે આશ્રય લેવા જણાવાઈ રહ્યું છે. નેપાળ-ચીન બોર્ડર પર ગ્યોરોંગ જીલ (સરોવર) ગમે ત્યારે ફાટી શકે છે. ચીનના સુત્રોએ જણાવ્યું છે કે, તિબેટ વિસ્તારમાં આવેલ એક બંધ તુટી ગયો છે. જેના કારણે મોટેકાશી નદીમાં જલસ્તર ખુબ જ વધી રહ્યું છે. આમ નેપાળમાં ૪૮ કલાકના ગાળામાં ફરી એકવાર ભયાનક તબાહીનો ખતરો મંડરાઈ ગયો છે. અન્ય એક અહેવાલ મુજબ વધુ એક સરોવર ફાટયું છે. બુધવારે સવારે બનેલી ઘટનામાં પ૦૦ લોકોથી વધુના મોત થયા છે. જયારે આજે પણ પુન: આનાથી પણ વધુ ભયાનક દુર્ઘટનાની ચેતવણી જારી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય ફેલાઈ ગયો છે. રેસ્કયુ ઓપરેશનમાં સામેલ તમામ એજન્સીઓને તુરત ઘટના સ્થળ છોડી દેવા આદેશો આપી દેવામાં આવ્યા છે. ગ્યોરોંગ બોર્ડર પર બનેલી જીલ (સરોવર) ઓવરફલો થઈ રહી છે અને ગમે તે ક્ષણે તુટી પડવાની ઘડીઓ ગણાઈ રહી છે.


