મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘લોકભવન’ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી
વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનો-દીકરીઓએ મુખ્યમંત્રીને રાખડી બાંધી, દીર્ઘાયુની મંગલકામના કરી
ગાંધીનગર તા.27
પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત ‘લોકભવન’ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન કાર્યક્રમનું ભાવસભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ તેમજ દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલકામના કરી હતી.
મુખ્યમંત્રીએ રાખડી બાંધવા માટે આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કર્યું હતું અને તેમની શુભેચ્છાઓ સહર્ષ સ્વીકારી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, નિમિષાબેન સુથાર, પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા સહિતના મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે સમગ્ર વાતાવરણ સ્નેહ, લાગણી અને બંધુતાના રંગે રંગાઈ ગયું હતું.


