સોમનાથ સ્વાભિમાન પર્વ : આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથ આવશે : આજે સંતોની રવેડી નીકળી
(બ્યુરો) વેરાવળ તા.૦૯:
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્યક્રમ અંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, જીતુભાઇ વાઘાણી, કૌશિકભાઇ વેકરીયા સહિતનાએ સમીક્ષા કરી હતી.
વેરાવળ તા.૯: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત સ્વાભિમાન પર્વમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી રહયા છે. જેમાં કાલે સાંજે ૫:૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થશે. અને રાત્રી રોકાણ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરશે. ત્યારબાદ તા.૧૧ને રવિવારના બપોર સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં જોડાશે.
આજે સવારે સોમનાથ મંદિર પાસે શંખ સર્કલ નજીકથી સાધુઓની રવેડી નીકળી હતી. સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ૦૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન દાદા સોમનાથની અલૌકિક અને ઐતિહાસિક ભૂમિ પર આવનાર છે. સ્વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જ વાતાવરણનું સર્જન કર્યું છે. શિવ આરાધનાના સ્વર, સૂર અને સંગીતથી સોમનાથ શિવમય બન્યું છે.


