ભાઈઓના રક્ષાકાજે બનતી રાખડીઓ શેરથાની બહેનોને આપે છે આર્થિક સુરક્ષાચક્ર
મિશન મંગલમ સખી મંડળની બહેનો રાખડી સહિત વિવિધ ચીજવસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની, પરિવારની આવકમાં આપી રહી છે મહત્વપૂર્ણ યોગદાન
ગાંધીનગર તા.27
ગાંધીનગરથી ૨૦ કિલોમીટરની અંતરે આવેલું શેરથા ગામ તેના મરચાંના સ્વાદ માટે વિખ્યાત છે, પરંતુ હવે આ ગામની બહેનો ગામની બીજી ઓળખ પણ ઊભી કરી રહી છે. અહીંની બહેનોએ જય ગજાનંદ મિશન મંગલમ સખી મંડળના નેજા હેઠળ આકર્ષક રાખડીઓ બનાવી આર્થિક સ્વાવલંબનની દિશામાં પગરણ માંડ્યા છે.
ગામના ચબુતરાવાળા વાસની શેરીમાં ઊનની દોરીમાં રંગબેરંગી મોતી પરોવતો એક ચહેરો શ્રી કમળાબેન વાઘેલાનો છે. કમળાબહેન ૬૬ વર્ષની વય વટાવી ચૂક્યા છે છતાં તેમના પરિશ્રમ થકી પરિવારને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સ્મિત સાથે તેઓ કહે છે : “રાખડી બનાવવી મને ગમે છે. આ કામમાં મને આનંદ આવે છે.”
શ્રી કમળાબહેનની જેમ જ ગામની અન્ય બહેનો પણ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ થકી પરિવારને આર્થિક સહયોગ આપે છે. વર્ષ ૨૦૧૮થી ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા પ્રજ્ઞાબહેન કહે છે કે અમે રાખડી ઉપરાંત ગણેશ-ઉત્સવ માટે ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ તેમ જ ઘર-સુશોભનની ચીજવસ્તુઓ પણ તૈયાર કરીએ છીએ. આ ઉત્પાદક પ્રવૃત્તિઓના પરિણામે મંડળની બહેનો ઘરના કામકાજ બાદ ફ્રી ટાઈમમાં અઢીથી ત્રણ હજાર રૂપિયાની કમાણી કરે છે. આ કમાણી બાળકોના ભણતરમાં ઉપયોગી થાય છે.
મંડળના અન્ય સભ્યો હેતલબહેન અને નૈનાબહેન એક સૂરે કહે છે : “આ પ્રવૃત્તિ બહેનોને ઘરે બેઠાં આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે.”
જીવનના છ દાયકાના તડકા-છાયાં જોઈ ચૂકેલા શ્રી કમળાબહેન તેમની આ ખુમારીના કારણે તેમના પુત્રવધૂ રંજનબહેન વાઘેલા માટે રોલમોડલ છે. રંજનબહેન કહે છે, “બા ના સાથ-સહકારથી જ હું મિશન મંગલમ હેઠળ સરકારી સહાય-તાલીમ પ્રાપ્ત કરી શકી છું અને આજે જય ગજાનંદ મિશન મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક ચલાવું છું. દર મહિને રૂ.૨૦,૦૦૦ રકમની આવક થાય છે. જે મારી દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ખપમાં આવે છે.”
ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની એટલે કે GLPC કમળાબહેન અને રંજનબહેન જેવા લાખો બહેનોને 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' હેઠળ તાલીમ અને આર્થિક સહાય પૂરી પાડે છે. જે આ બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું સપનું સાકાર કરવામાં ઉપયોગી નીવડે છે. ગજાનંદ મિશન મંગલમ સખી મંડળના આ બહેનો વ્યક્તિગત રીતે રૂ.૨૫૦૦થી ૩૦૦૦ આવક મેળવે છે. તેમની વાર્ષિક આવક આશરે રૂ.૩૬,૦૦૦ જેટલી થાય છે.
શેરથાના આ બહેનોની આત્મનિર્ભરતાની આ કહાની દર્શાવે છે કે આ બહેનો માત્ર ઊનના દોરાથી રાખડી જ નથી ગૂંથતા, પરંતુ તેમના પરિવારની આર્થિક સુરક્ષાના તાંતણાને વધુ મજબૂત બનાવી રહ્યા છે.


