ઉના તાલુકાના રામપરા ગામની સીમમાં એક પુખ્ત ઉમરની સિંહણનો  મૃત દેહ મળી આવ્યો 

વન વિભાગ કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો પ્રાથમિક તારણ ઇન્ફાઇટ મૃત્યુ પામેલનું અનુમાન

ઉના તાલુકાના રામપરા ગામની સીમમાં એક પુખ્ત ઉમરની સિંહણનો  મૃત દેહ મળી આવ્યો 

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.ર૮
ઉના અને ગીરગઢડા તાલુકાનામાં જાણે વન્ય પ્રાણીઓ ઉપર ઘાત ચાલતી હોય તેમ પ્રથમ ધોકડવા ગામની સીમમાં કુવામાંથી સિંહનો મૃતદેહ મળેલ હતો. ત્યાર પછી ખાપટ ગામની સીમમાં એક પુખ્ત વયની દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. પછી નાના સમઢિયાળા ગામે એક ઊંડા કૂવામાં સિંહ પડી જતા રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. ત્યાં ઊના તાલુકાના રામપરા ગામની સીમમાં એક પુખ્ત વયની સિંહણનો મૃત દેહ પડેલ હોવાની ગામના સરપંચને જાણ થતા તેમણે ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જની કચેરી જસાધાર ગીર ગામે આવેલ હોય જાણ કરતા આર.એફ.ઓ. ચૌહાણ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહણનું અવલોકન કરતા અંદાજિત પાંચથી નવ વરસની સિંહણ હતી. તેમના પાછલા પગ અને શરીરના પાછલા ભાગે ઇજાઓનો ચિહનો જોવા મળ્યા હતા અને તેમાં જીવાત પડી ગઈ હતી. ચામડી સડી ગઈ હતી. વન વિભાગના અનુમાન મુજબ મૃતદેહ એક દિવસ પહેલાનો હોય અને આ વિસ્તારમાં એક નર સિંહ અને માદા સિંહણની અવર જવર હતી. ઇન્ફાઇટમાં સિંહણ ઇજા પામી હોય અને ઘા સડી જતા મૃત્યુ પામી હોય તેવું  પ્રાથમિક અનુમાન છે. હાલ સિંહણનો મૃતદેહ જસાધાર ગીર એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.  ઉના અને ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓના મોતના બનાવોથી વન વિભાગના નિયમિત પેટ્રોલિંગ અને વન્ય પ્રાણીઓનું મોનીટરીંગ કેવું થતું હશે તેવા લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે.