‘કોઈ ફરક નથી પડતો’, ‘ટોક્સિક’માં કિયારાના બોલ્ડ સીન પર ટ્રોલિંગ વચ્ચે યશે કર્યો બચાવ
યશે કહ્યું, “પોતાના કામ અને કાબિલિયત પર વિશ્વાસ રાખો”; થિયેટરમાં ફિલ્મ રિલીઝ થયા બાદ કિયારાના કામની પ્રશંસા થશે
મુંબઈ, તા. 10
રોકિંગ સ્ટાર યશ અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ તેના એક્શન અને સ્ટારકાસ્ટ ઉપરાંત કિયારાના કેટલાક બોલ્ડ સીન્સને લઈને પણ ચર્ચામાં છે. ફિલ્મના ટીઝર અને તાજેતરમાં રિલીઝ થયેલા ‘તબાહી’ ગીતમાં યશ અને કિયારા વચ્ચેના ઇન્ટિમેટ સીન્સ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કિયારાને ટ્રોલ કરવામાં આવી હતી. હવે યશ ખુદ કિયારાના સમર્થનમાં સામે આવ્યો છે.
8 ઓગસ્ટે બેંગલુરુમાં યોજાયેલા ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન યશે કિયારાની પ્રશંસા કરતાં કહ્યું કે અભિનેત્રીએ પોતાના કામ અને વિચાર પર વિશ્વાસ રાખવો જોઈએ અને સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગથી પરેશાન થવાની જરૂર નથી. યશનું માનવું છે કે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચ્યા બાદ દર્શકો કિયારાના કામની યોગ્ય રીતે પ્રશંસા કરશે.
ફિલ્મમાં કિયારા ‘નાદિયા’ નામની સર્કસ કલાકારની ભૂમિકા ભજવી રહી છે. ટીઝર અને ગીતમાં તેના કેટલાક બોલ્ડ અને ઇન્ટિમેટ સીન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જોકે, યશે આ ચર્ચાઓથી અલગ કિયારાના સમર્પણ અને અભિનયની પ્રશંસા કરી છે.
યશે જણાવ્યું કે શરૂઆતમાં ટીમને પણ લાગ્યું હતું કે કિયારા જેવા કલાકારને આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં કામ કરતી વખતે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, કિયારાએ પોતાના કામથી સૌને પ્રભાવિત કર્યા અને પોતાની ભૂમિકા સાથે સંપૂર્ણ ન્યાય કર્યો. યશે અભિનેત્રીને સલાહ આપી કે અન્ય લોકો શું કહે છે તેના પર ધ્યાન આપવાને બદલે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ.
યશના જણાવ્યા અનુસાર, એક કલાકાર તરીકે ટ્રોલિંગનો સામનો કરવો પડે તો તેને લઈને વધુ ચિંતા કરવાની જરૂર નથી. કલાકારે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને દિલથી કામ કરવું જોઈએ. ફિલ્મ વિશે વાત કરતાં તેણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે કદાચ ‘ટોક્સિક’ દર્શકોની અપેક્ષા કરતાં પણ આગળ નીકળશે.
'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'નું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યું છે. આ મેગા-બજેટ પેન-ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ કન્નડ અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યું છે અને તેને હિન્દી, તેલુગુ, તમિલ તથા મલયાલમમાં ડબ કરીને રજૂ કરવામાં આવશે.
ફિલ્મમાં યશ અને કિયારા ઉપરાંત નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં યશના પાત્રના વિવિધ પાસાં જોવા મળ્યા છે અને એક્શનથી ભરપૂર આ ફિલ્મને લઈને ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા છે.


