પોરબંદરમાં ગુમ થયેલું એક્ટિવા ગણતરીના કલાકોમાં શોધી કઢા્યું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૯
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ એક્ટિવા સ્કૂટરને ઉદ્યોગનગર પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પોલીસની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ કે ચોરી થયેલા વાહનો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ખારવાવાડ, પોરબંદરના અશ્વીન દેવજીભાઈ મોતીવરસ(ઉં.વ. ૪૮)એ પોલીસને જાણ કરી હતી કે તેમનું સફેદ રંગનું એક્ટિવા સ્કૂટર બોખીરા બંદર રોડ પર સીદીક સી ફૂડ નામની દુકાન પાસે સવારે આશરે ૭ વાગ્યે પાર્ક કરેલું હતું, પરંતુ બાદમાં સ્કૂટર ત્યાં જોવા મળ્યું ન હતું. આ અંગે સર્વેલન્સ ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભા તથા પોલીસ કોન્સ્ટેબલ ભૌતિકભાઈ હરીભાઈને માનવસોર્સ અને ટેકનિકલ માધ્યમથી માહિતી મળી હતી કે ગુમ થયેલું સ્કૂટર બોખીરા ત્રણ માઈલ નજીક ધ ગ્રાન્ડ ચામુંડા હોટલ પાસે બિનવારસુ હાલતમાં પડેલું છે. માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં જણાવેલ નંબરનું એક્ટિવા મળી આવ્યું હતું. સ્કૂટરનું વેરિફિકેશન કર્યા બાદ તેને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું. ગુમ થયેલું વાહન ટૂંકા સમયમાં પરત મળતાં માલિકે પોરબંદર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


