રાજકોટ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર : શ્રેણી ૧-૧ થી સરભર
(બ્યુરો) રાજકોટ, તા. ૧૫
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે ન્યુઝીલેન્ડ સામેના મેચમાં ભારતની હાર થઇ હતી. ભારતે નિર્ધારીત ૫૦ ઓવરમાં ૨૮૫ રનનો આપેલો ટાર્ગેટ ન્યુઝીલેન્ડે ૪૭.૩ ઓવરમાં પાર કરી લીધો હતો. ભારતીય ખેલાડી કે.એલ.રાહુલે ફટકારેલી સદી એળે ગઈ હતી. તે સાથે ત્રણ મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ ગઇ છે. મકરસંક્રાંતિનો પતંગ પર્વ હોવા છતાં હકડેઠઠ સ્ટેડીયમમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ લેવા મેદાનમાં ઉતાર્યુ હતું. ધીમી શરૂઆત બાદ ગીલની આક્રમક અડધી સદી તથા કે.એલ.રાહુલની અણનમ સદીની મદદથી ભારતે નિર્ધારીત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૪ રન બનાવ્યા હતા. ૨૮૫ રનના ટાર્ગેટ સાથે મેદાને ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની બે વિકેટો સસ્તામાં પડી ગઇ હતી. પરંતુ ત્યારબાદ ડેરીલ મિચેલ અને યંગે શાનદાર રમત રમીને ભારતના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. ડેરીલ મિચેલે આક્રમક અણનમ ૧૩૧ રન અને યંગે ૮૭ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ઇનિંગમાં હજુ ૧૫ બોલ બાકી હતા તે પૂર્વે જ ન્યુઝીલેન્ડે જીત હાંસલ કરી લીધી હતી. અણનમ ૧૩૧ રન બનાવનાર અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેરીલ મિચેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


