જૂનાગઢમાં એડવોકેટની ઓફિસમાં ઘુસી ગળાટુંપો દઈ બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો : ચકચાર

જૂનાગઢમાં એડવોકેટની ઓફિસમાં ઘુસી ગળાટુંપો દઈ બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો : ચકચાર

જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક એડવોકેટની ઓફિસમાં સાંજનાં સમયે ઘુસી આવેલા બે શખ્સો દ્વારા ગળાટુંપો દઈ જીવલેણ હુમલો કરી અને મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા આ એડવોકેટ બેભાન બની ગયેલ અને ભાનમાં આવતા સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવનાં પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં છેલ્લા ૭ વર્ષ થયા વકીલ તરીકે પ્રેકટીશ કરતા પ્રતિક હરીયાણી એડવોકેટએ સિવીલ હોસ્પીટલનાં બિછાનેથી પોતાનું નિવેદન આપતા પોતાની ઉપર ગંભીર જીવલેણ હુમલો થયાની બાબતનું વર્ણન કર્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે એડવોકેટ તરીકે તેઓ ૭ વર્ષ થયા પ્રેકટીશ કરી રહયા છે. અને ગઈકાલે સાંજે ૭ થી ૭.૩૦નાં અરસામાં બે શખ્સો તેની ઓફિસે આવ્યા હતાં. અને બેમાંથી એક વ્યકિતએ ત્યાં પાણીનો શીશો પડેલ તે શીશો વકીલનાં માથામાં ફટકારી દીધો હતો. જયારે બીજા શખ્સે સોનાની વીંટી કાઢી લઈ અને મોબાઈલ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોતાનાં ઉપર અચાનક આ હુમલો થતાં એડવોકેટ પ્રતિક હરીયાણીએ આવેલા શખ્સોને જણાવેલ કે તમે શું કામ મારી ઉપર આ હુમલો કરો છો ? જેથી આ શખ્સોએ જણાવેલ કે અમારે તને મારી નાખવો જ છે, આજે તને પતાવી દેવો છે તેમ કહી પ્રતિક હરીયાણીને ગળેટુંપો દેવા લાગ્યા હતાં. અને ગળાટુંપો અસહય બની જતાં પ્રતિક હરીયાણી બેભાન થઈ ગયેલ અને ત્યારબાદ ભાનમાં આવતાં તાત્કાલીક પોલીસને ફોન કરેલ તેમજ ૧૦૮ને પણ ફોન કર્યો હતો. પ્રતિક હરીયાણીએ જણાવ્યું હતું કે ત્યારબાદ તેને સિવીલ હોસ્પીટલ સારવાર માટે લઈ જવામાં આવેલ. અને જે તે વખતે તેઓની હજુ ફરીયાદ કે નિવેદન પણ લેવામાં આવ્યું ન હતું. હુમલો કરનારા શખ્સો પણ ત્યાં જ પોલીસની સામે જ ઉભા હતાં તેમ પણ પ્રતિક હરીયાણીએ જણાવ્યું હતું. અંતમાં હુમલાનો ભોગ બનેલા પ્રતિક હરીયાણીએ જણાવ્યું હતું કે તેમની ઉપર જીવલેણ હુમલો કરનારા શખ્સે જણાવ્યું હતું કે હું તો કરોડપતિ છું પોલીસ કે વકીલ પણ મારૂ કંઈ કરી શકે તેમ નથી તેવું જણાવેલ હતું. એક વકીલકક્ષાની વ્યકિત ઉપર જયારે જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે ત્યારે ભારે ચકચાર જાગી ઉઠી છે. પ્રતિક હરીયાણીએ અંતમાં જણાવ્યું હતું કે પોતાના ઉપર જીવનું જાેખમ ઉભું થયું છે. ત્યારે પોલીસ તાત્કાલીક અસરથી હુમલાખોરને ઝડપી લે તેમજ તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરે અને જેલ હવાલે કરે તેવી માંગ સાથે પોતાને સુરક્ષા પુરી પાડવા પણ જણાવ્યું હતું.