સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે ઠાઠ-માઠથી લગ્ન સમારોહ યોજવાને બદલે લોકો સાદાઈથી લગ્ન યોજશે તે દિવસો હવે દુર નથી
લગ્નમાં ‘વર-કન્યા’ને આપવાના દાગીનાની રીત બદલાઈ : સામાન્ય પરિવારો માત્ર શુકન પુરતા રિવાજ સાચવી શકે તેવી સ્થિતી
જૂનાગઢ તા. ૨૩
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર તથા સોરઠ પંથકમાં લગ્નગાળાની મોસમ શરૂ થઈ છે અને ઠેર-ઠેર લગ્ન સમારોહનાં આયોજનો થયા છે. આ વર્ષે મોંઘવારીની જાેરદાર અસર આ લગ્ન સમારોહ ઉપર પડી રહી છે. અને તેનું ખાસ કારણ જાેઈએ તો સોના-ચાંદીના દાગીનામાં વધી રહેલા ભાવો પણ ગણાવાઈ રહયા છે. આજે દિકરા દિકરીનાં લગ્ન પ્રસંગે અપાતા દાગીનામાં મોટો બધો કાપ મુકાઈ રહયો છે. અને શુકન પુરતા એટલે કે જરૂરીયાત મુજબનાં દાગીના જ આપવા પડે તેવી સ્થિતી જાેવા મળી રહી છે.
મકરસંક્રાંતિના પર્વની સાથેજ છેલ્લા એક માસથી ચાલી રહેલા કમુહુર્તા પુરા થઈ જતાં શુભ કાર્ય કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. અને આ સાથેજ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં લગ્નગાળાની મૌસમ શરૂ થઈ છે. ‘લગ્ન’નો માંગલિક પ્રસંગ હોય અને જે પરિવારોમાં શુભ મુહુર્ત હોય તેવા પરિવારોને ‘લગ્ન સમારોહ’ શાનદાર રીતે યોજવાનો, મહેમાનોને ઘરઆંગણે સહભાગી બનાવી અવસર માણવાનાં ભારે કોડ હોય અને એ પ્રમાણે શક્તિ મુજબ ગામડામાં હોય કે શહેરોમાં નાના પરિવારો કે મધ્યમ વર્ગીય પરિવારો દ્વારા પોતાની શક્તિ મુજબના લગ્ન ગોઠવી શકતા અને માણતા પણ ખરા, દિકરા કે દિકરીનાં લગ્ન પ્રસંગ હોય એટલે વરરાજા કે નવોઢાને માટે ખાસ વસ્ત્રો બનાવડાવે ઉપરાંત લગ્નમાં ખાસ વર-વધૂને માટે સોનાનાં દાગીના જેમાં મંગળસુત્ર, ચેન, નથડી, કાનની બુટી, પંજા, વીંટી, હાર, લકી, પગના સાંકળા સહીતના દાગીના આપવાનો રીવાજ નિભાવાતો તેમજ જે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તે પરિવારમાં નાનાથી લઈ મોટા સુધીના લોકોને માટે નવા વસ્ત્રો બનાવવામાં આવે ઉપરાંત વર-કન્યા બંનેનાં પરિવારો શક્તિ મુજબ પહેરામણી પણ આપે તેમજ સ્નેહીઓ અને પાડોશીઓ વગેરેને માટે જમણવાર પણ યોજવામાં આપણે ત્યાં રીવાજ છે.
છેલ્લા કેટલાક વર્ષ થયા લગ્ન સમારંભો ખાસ શ્રીમંત પરિવારો દ્વારા ઠાઠ-માઠ દર્શાવવા અને પૈસા દર્શાવવાનું સ્થળ હોય તેમ પાર્ટી પ્લોટ, ડીજે, આધુનીક સાજ-ધાજ સાથે ભવ્ય લગ્ન સમારોહ, રીસેપ્શન અને સેંકડો વેરાયટીઓ સાથેના કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવે છે. પ્રિ-વેડીંગને ફોટો-વિડીયો શુટીંગની ફેશન ચાલે છે. આ થઈ અતિ શ્રીમંત પરિવારોની વાત. જયારે નાના પરિવારના લોકો પોતાના ઘરને આંગણે લગ્ન યોજી અને સંતોષ માની લે અથવા તો સમુહલગ્નમાં જાેડાઈ કે પોતાના સમાજની વાડીમાં પોતાના દિકરા કે દિકરીનાં લગ્ન ગોઠવી શકતા અને એ પણ સારી રીતે પરંતુ નાના અને સામાન્ય પરિવારો માટે લગ્ન સમારોહ યોજવા હાલ કઠીન બની રહયા છે. આજે વાડી બુકીંગ, કેટરર્સ, ગોર મહારાજ, બ્યુટી પાર્લર, દાગીનાની ખરીદી, વસ્ત્રોની ખરીદી વગેરે લગ્ન પ્રસંગે જેની જરૂરીયાત છે તે તમામ સામગ્રી ભેગા કરતા આંખે ઓળે પહોંચી જાય તેવી સ્થિતી છે. કારણ કે આજે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, શાકભાજીથી લઈ તમામ વસ્તુઓમાં ભાવવધારાને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની સ્થિતી વધુ કફોડી બની ગઈ છે. લગ્ન જેવો પ્રસંગ કેવી રીતે યોજવો તે મોટો સવાલ છે. આ ઉપરાંત સોના-ચાંદીના ભાવોમાં સતત આગ ઝરતી તેજીને કારણે હવે લગ્ન જેવા પ્રસંગોએ દાગીના લેવા કેમ? આજે નાકની ચુક, નથળી, મંગલસુત્ર, બંગડી, લકી, ચેન જેવા ઘરેણા કરાવવા જાય તો પણ આંખો ફાટી જાય તેટલા ભાવો છે. આજે લગ્નની મોસમ શરૂ થઈ છે. તમામ બજારોમાં લોકોની અવર-જવર અને ખરીદી નીકળી છે. પરંતુ તે પહેલાનાં જેવી ખરીદી નથી રહી જયાં ૧૦૦ વસ્તુ લેવાતી ત્યાં બે પાંચ વસ્તુઓથી ચલાવી લેવામાં આવે છે. અને રહી વાત સોના ચાંદીના દાગીના કરાવવાની તો ખાસ સામાન્ય અને ગરીબ વર્ગનાં પરિવારો-લોકો પોતાની પાસે પડેલા દાગીનાને હાલ સારા ભાવે કાઢી નાખી અને તેના બદલામાં લગ્ન પ્રસંગ માટે એકાદ-બે દાગીના જરૂર પુરતા કરાવી લેતા હોવાનું ચલણ વધી ગયુું છે. આજે લગ્નની મોસમ ઉપર સોના-ચાંદીના વધેલા ભાવોની ભારે અસર જાેવામળી રહી છે. જાે મોંઘવારીનો માર સતત ચાલતો રહયો તો આગામી સમયમાં લોકો લગ્ન પ્રસંગોને બદલે સાદાઈથી લગ્ન,કોર્ટ મેેરજ કે ફુલહાર વિધીથી લગ્ન પ્રસંગો યોજતા થઈ જશે તેવી ભીંતિ સેવાઈ રહી છે.


