જૂનાગઢ મનપાનાં કૌભાંડી વોટર વર્કસ શાખાનાં રૂા. ર૦ લાખનું ફલોમીટર કૌભાંડ
વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ મનપાનાં કમિશ્નર તેમજ ગાંધીનગર વીજીલન્સ અધિકારીને પુરાવા સાથે રજુઆત કરી તપાસ મંગાઈ
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ કોર્પોરેશન તંત્ર એટલે અંધેર વહીવટ, ભ્રષ્ટાચાર અને વિકાસનાં નામે અઢળક નાણાંનો વ્યયની મોટી ફેકટરી ગણાય છે. મનપા તંત્રનાં સત્તાધિશો અને કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતાં કોઈપણ કામ પછી તે રસ્તાનાં કામ હોય, ગટરના કામ હોય, પાણીની પાઈપ લાઈન ફીટ કરવાની હોય કે વિકાસનાં કામો અથવા તો ટેન્ડર આપવાની પ્રક્રિયા મોટાભાગનાં દરેક કામોમાં સરકારી નિયમોનો ઉલાળ્યો કરી અને કામગીરી કરવામાં આવતી હોવાની ફરીયાદો રહેલી છે. ખાલી ફરીયાદો જ નહી પરંતુ વિરોધ પક્ષ દ્વારા અનેકવાર ઉચ્ચ કક્ષાએ પણ પુરાવા સહીત રજુઆતો પણ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ત્યારે મનપા વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ આ કૌભાંડનો પરપોટો ફોડયો છે. વોટર વર્કસ શાખા દ્વારા રૂા. ર૦ લાખનાં ખર્ચે લગાવેલા ફલોમીટરની કરમકથા બહાર આવી છે અને જેને લઈને ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીનું લેવલ, સપ્લાય અને સ્ટોક નિભાવવા અંગે સાત વર્ષ પહેલા ર૦ લાખનાં ખર્ચે ઉપરકોટ પમ્પીંગ સ્ટેશન અને જાેષીપરા ગોપાલવાડીના પમ્પીંગ સ્ટેશન ખાતે બે ફલોમીટર લગાવવામાં આવ્યા હતાં. જે ફીટ કરાયાનાં આજ દિન સુધી ચાલુ કર્યા ન હોવાનું અને હાલ તે લાખોના ફલોમીટર બંધ હાલતમાં હોવા અંગેનો રીપોર્ટ આવતા આ અંગે વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ મ્યુ. કમિશ્નર તેમજ ગાંધીનગર વીજીલન્સ અધિકારીને પુરાવા સાથે ફરીયાદ કરીને તપાસની માંગણી કરી છે. જેમાં જણાવ્યું છે કે મનપાનાં નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ દરમ્યાન લોકલ ઓડીટ વિભાગ દ્વારા ફલોમીટર સપ્લાઈ કરી અને ફીટ કરી આપવાનાં કામમાં ગેરરીતી જણાઈ હતી. જેમાં ટેન્ડર માટે તાંત્રીક મંજુરી ન હોવા છતાં માત્ર ૧૦ દિવસ માટે ટેન્ડર ઓનલાઈન રાખવું, પુરતી જાહેરાત ન કરી સ્પર્ધાત્મક ભાવ ન રાખવા, એજન્સી દ્વારા પ્રમાણીત બીલની નકલ ફાઈલે ન રાખવી, કરારખતમાં સમય મર્યાદાનો ઉલ્લેખ ન કરવો, રેટ કોન્ટ્રાકટરની ફાઈલમાં કમ્પ્લીશન (પૂર્ણતા) સર્ટી ન હોવું, માપ પોથીનો નિભાવ ન કરવો, એજન્સીને રેકર્ડ ઉપર પાછળના એકસ્પીરીયન્સ પરથી રેટ અવાસ્તવીક હોવા, ફલોમીટર કયા ઈન્સ્ટોલ કરવા તથા ફલોમીટરની કેપેસીટીનો ઉલ્લેખ ન કરવા, ફલોમીટર ઈન્સ્ટોલ કર્યા બાદ ચાલુ કરી ટેસ્ટીંગ રીપોર્ટ ફાઈલે ન રાખવા, મુદત વધારો કરી આપવા વગેરે જેવા ઓબ્જેકશન લેવામાં આવેલ છે.
ફલોમીટર જેવા મહત્વનાં ઈન્સ્ટ્રુમેન્ટની કેપેસીટી તથા સ્થળ નકકી કર્યા વગર માત્ર એજન્સીને ફાયદો થાય તે રીતે કામ કરેલ છે. હાલ બે જ ફલોમીટર ર૦ લાખના ખર્ચે બે જગ્યાએ ઈન્સ્ટોલ કરેલ છે. જેમાં ગોપાલવાડી સમ્પ તથા જાનકી વાલ ઉપરકોટ પાસે જયારથી ઈન્સ્ટોલ થયા ત્યારથી અત્યાર સુધીમાં રેકર્ડ રજીસ્ટરે પાણીના જથ્થાનાં યુનીટ નોંધેલ નથી, જયારથી લગાડવામાં આવેલ છે ત્યારથી હાલ અત્યારે પણ બંધ અવસ્થામાં છે. જેમની સંપૂર્ણ તપાસ કરી તમામ રેકર્ડ ચેક કરી ર૦ લાખનું ગેરવ્યાજબી રીતે વપરાશ કરવામાં આવેલ છે જેની તપાસ કરવા માંગણી કરી છે.


