જૂનાગઢની સિવિલ હોસ્પીટલ ગંદકીનું ધામ બન્યું

જૂનાગઢની સિવિલ હોસ્પીટલ ગંદકીનું ધામ બન્યું

જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગંદકી, તૂટેલી પાઇપલાઇનો અને ભ્રષ્ટાચારની ગંધ આજેય યથાવત્ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ગેટ નંબર ૨ પાસે આવેલા પોસ્ટમોર્ટમ વિભાગની સામે લાંબા સમયથી રહેલી ગંદકી અને તૂટેલી પાઇપલાઇન વિશે છ મહિના પહેલા જ  હોસ્પિટલનાં અધિકારીઓને મૌખિક જાણ કરવામાં આવી હતી.
છ મહિના બાદ તંત્રે કાગળ પર કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો અને પાઇપલાઇનોની મરામત તથા ગંદકી દૂર કરવાની વાત કરી. પરંતુ હકીકત એ છે કે તંત્રે માત્ર દેખાવ પૂરતું કામ કરીને નાગરિકોને ભુલાવવા પ્રયાસ કર્યો. ગંદકી દૂર કરવાની જગ્યાએ તેને પાછળના ભાગમાં ખસેડી દેવાઈ છે, જેથી મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વચ્છતા દેખાય પણ વાસ્તવિકતા ગંદકીથી ભરપૂર છે.
સિવિલ હોસ્પિટલના પાઇપલાઇનના કામમાં પણ નબળી ગુણવત્તા અને બેદરકારી જાેવા મળી રહી છે. પાણી લીકેજ અટકાવવાને બદલે ફરી લીકેજ શરૂ થઈ ગયું છે. નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ છે અને તંત્રના ભ્રષ્ટાચાર પર સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સિવિલ હોસ્પીટલમાં લોકો સારવાર માટે આશા લઈને આવે છે ત્યારે ગંદકી, દુર્ગંધ અને નબળી કામગીરી દર્દીઓના આરોગ્યને જાેખમમાં મૂકે છે. આ બાબતે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.