અધિકારીઓએ ભવનાથ મંદિરને કમાણીનું સાધન બનાવી દીધુ છે : અમરગીરી બાપુનો ગંભીર આક્ષેપ
ભાડુતી સાધુઓ રાખી તમે પૈસા કમાવ છો, શું સરકાર તમને પગાર આપતી નથી ? તમારૂ પેટ ભરાતું નથી, ભાજપ સરકારને તમે બદનામ કરો છો અને એક દિવસ સરકારને ઘરભેગી કરી દેશો તેવો આક્રોશ વ્યકત કરતા અમરગીરી બાપુએ ગુરૂ શિષ્ય પરંપરા મુજબ મહંતની તત્કાલ નિમણુંક કરવા માંગણી કરી
જૂનાગઢ તા. 4
કરોડો ભાવિકોનાં આસ્થાનાં કેન્દ્ર ગીરનારના રાજા ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંકનો મામલો દિવસે દિવસે ભારે ચર્ચાસ્પદ બની રહયો છે. ઘણા લાંબા સમય થયા મહંત પદની નિમણુંક યેનકેન પ્રકારે કરવામાં આવતી નથી તેવી વ્યાપક ફરીયાદો સાધુ સંતોમાં અને ભાવિકોમાં ઉઠવા પામી છે. બીજી તરફ ભવનાથ મંદિરનાં બ્રહ્મલીન મહંત પૂ. રઘુનાથગીરી બાપુના શિષ્ય અને બનાસકાંઠા ભાજપની કારોબારીના સભ્ય એવા મહંત અમરગીરી બાપુએ વહીવટી તંત્ર ઉપર અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. અને સાથે જ વહેલી તકે ગુરૂ શિષ્ય પરંપરા આધારીત કોઈ શિષ્યની મહંત પદે નિમણુંક કરવાની માંગણી સાથે ઉચ્ચ કક્ષાએ સરકારમાં પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું અમરગીરી બાપુએ જણાવ્યું છે.
ભવનાથ મંદિરનાં મહંતની નિમણુંક કરવામાં આવતી નથી અને તેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ દરમ્યાન મહંત અમરગીરી બાપુએ એક વિડીયો વાયરલ કરી ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી છે. તેમજ પૈસાની લેતીદેતી સહીતનાં ગંભીર આક્ષેપો કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. મહંત અમરગીરી બાપુએ વિડીયોના માધ્યમથી જણાવેલ છે કે ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત પદનો મામલો ઘણા સમય થયા અણઉકેલ રહયો છે. ઉત્તરપ્રદેશનાં હરીગીરી કે જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી તે હરીગીરીને કલેકટર તેમજ અધિકારીઓએ, મામલતદાર સહીતના અધિકારીઓએ પૈસા લઈ અને મહંત પદનો ઓર્ડર કરી અને તેમની નિમણુંક કરી હતી. હરીગીરીને સસ્પેન્ડ કરી નાખ્યાને પણ એક વર્ષ જેવો સમય થયો છે. આ સમયગાળા દરમ્યાન ભવનાથ મંદિરનાં મહંતની નવી નિમણુંક હજુ સુધી કરવામાં આવી નથી. ભાડુતી સાધુઓ રાખી સંસારીઓ અને તમે સૌ પૈસા કમાવો છો. શું તમે હપ્તા સીસ્ટમ રાખી છે ? તેવા સવાલ સાથે તીવ્ર આક્રોષ પણ વ્યકત કરી અને વહીવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લીધા હતાં. શા માટે તમે મહંતની નિમણુંક કરતા નથી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો. શું તમને સરકારે એવી સુચના આપી છે કે નિમણુંક ન કરવી અને ભાડાથી સાધુઓ રાખવા. અને આ રીતે પૈસા કમાવવા જાે તેવી તમને સુચના આપી હોય તો તે અંગે અમને જાણ કરો. જેથી અમે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં પણ અસરકારક રજુઆતો કરી શકીએ. જયાં લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને ખુબ જ મોટુ દેવસ્થાન છે.
ગીરનારના રાજા ગણાય તેવા ભવનાથ મહાદેવ મંદિર તેમજ અંબાજી મંદિરને પણ તમે કમાવવાનું સાધન બનાવી દીધુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે ભવનાથ મહાદેવ મંદિર એ આદી અનાદીકાળથી ગુરૂ શિષ્ય પરંપરા ચાલી આવે છે. તો શા માટે ગુરૂ શિષ્ય આધારીત મહંતની નિમણુંક થતી નથી. ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત તરીકે ગુરૂ શિષ્ય પરંપરામાં આવતા સંત, સાધુની કે જેમની પાસે આધાર પુરાવા હોય તેઓમાંથી પસંદગી કરી અને વહેલી તકે ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતની નિમણુંક કરવાની લાગણી અને માંગણી વ્યકત કરી છે. મહંતશ્રી અમરગીરી બાપુએ વહીવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સામે કરેલા ભયંકર આક્ષેપોને કારણે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


