પી.વી.એમ. સ્કૂલ, આંબાવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

નગરપાલિકાના પ્રથમ નાગરિક પ્રતિક્ષાબેન દેવળિયાની વિશેષ ઉપસ્થિતિ

પી.વી.એમ. સ્કૂલ, આંબાવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.૩
કેશોદ શહેરના પી.વી.એમ. સ્કૂલ, આંબાવાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં વધતા નશાના વ્યસન અંગે જાગૃતિ લાવવાનો તેમજ વ્યસનની ગંભીર અસરો વિશે સમાજને માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં અનેક યુવાનો વિવિધ પ્રકારના નશાના વ્યસન તરફ આકર્ષાઈ રહ્યા છે જેના કારણે તેમનું ભવિષ્ય, સ્વાસ્થ્ય અને પરિવારનું સુખ શાંતિ જોખમમાં મુકાઈ રહી છે. વ્યસન વ્યક્તિના જીવનને બરબાદ કરી શકે છે તેથી સમાજના દરેક વર્ગે મળીને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પ્રયાસો કરવાની જરૂર છે. સેમિનારમાં યુવાનોને નશાના દુષ્પરિણામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ વ્યસનની લતમાંથી કેવી રીતે બહાર આવી શકાય, પરિવાર અને સમાજની ભૂમિકા શું હોઈ શકે તેમજ સ્વસ્થ અને સંસ્કારી જીવનશૈલી અપનાવવાના સંદેશ સાથે યુવાનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાના પ્રથમ નાગરિક પ્રતિક્ષાબેન દેવળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સામાજિક આગેવાનો તેમજ કેશોદ શહેરના મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.