સગી માતાની હત્યારી પુત્રી અને તેના પ્રેમી બંનેને આજીવન કેદ, ૩ વર્ષ પહેલા માથામાં લોખંડનું પાનું ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું
મમ્મીને માતાજી આવતા હોય ધુણે છે એમ કહી બે બહેનો અને ભાઈને સ્ટોર રૂમમાં પુરી ગુનાને અંજામ આપ્યો હતો
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢની ભાગોળે આવેલા ઈવનગર ગામે ૩ વર્ષ પહેલા સગી માતાની માથામાં લોખંડનું પાનુ ઝીંકી હત્યા કરી નાખનાર પુત્રી અને તેના પ્રેમી બંનેને જૂનાગઢની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઘરમાં બધા નિંદ્રાધીન થયા હતા ત્યારે પુત્રીએ પોતાના પ્રેમીને ઘરમાં જ મળવા બોલાવ્યો હતો એ વખતે માતા જાગી જતા જેણે બંનેને જાેઈ ગયા બાદ માતા - પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો આથી પ્રેમીના ચાલ્યા ગયા બાદ બધા નિંદ્રાધીન થયા હતા ત્યારે પુત્રીએ ભરઉંઘમાં જ માતાની હત્યા કરી નાખી હતી.
જૂનાગઢનાં ઈવનગરમાં રહેતા અને મુળ વેરાવળ તાલુકાના ભાલપરા ગામના વતની ગોવિંદભાઈ આણંદભાઈ બામણીયા (ઉ.વ.૪૪) પોતાના પત્ની દક્ષાબેન, ૩ પુત્રીઓ મીનાક્ષી (ઉ.વ.૧૯), કિંજલ અને મિત્તલ તેમજ સૌથી નાનો પુત્ર રિષભ સાથે રહે છે. ગોવિંદભાઈ પુવર બ્લોકના કામ માટે ગત તા. ૧૯ મે ર૦ર૩ના રોજ પાલનપુર ગયા હતા. ચાર દિવસ પછી તેઓ ફરી જૂનાગઢ આવ્યા હતા અને સહપરિવાર ઉના તાલુકાના તડ ગામે વ્યવહારીક કામે જઈ પરત આવ્યા હતા. ઈવનગર પરત આવ્યા બાદ ગોવિંદભાઈ ફરી પાલનપુર જવા નિકળ્યા હતા. બાદમાં તા. ર૭ મે ર૦ર૩ને સવારે ૪ - પ વાગ્યાનાં અરસામાં ઈવનગરમાં જ રહેતા તેમના સાઢુભાઈ મનહરભાઈ નારણભાઈ ગોહેલે દક્ષાબેનને માથામાં વાગ્યાનું અને લોહી નીકળતું હોવાની જાણ કરી હતી આથી ગોવિંદભાઈ જૂનાગઢ આવવા રવાના થયા હતા. રસ્તામાં તેમને ઈવનગરના અરવિંદભાઈ માધાભાઈ એ દક્ષાબેનનું મૃત્યુ થયાની જાણ કરી હતી. આથી ગોવિંદભાઈએ જૂનાગઢ આવી પોતાની પત્નીની હત્યા થયાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાવી હતી.
આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે તપાસ કરતા દક્ષાબેનની હત્યા તેમની સૌથી મોટી પુત્રી મીનાક્ષીએ જ તેના પ્રેમી અમિત નાથાભાઈ પરમાર (ઉ.વ.૧૯ રહે. ઈવનગર) સાથે મળીને કરી હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે બંનેને પકડી જેલમાં ધકેલી દીધા હતા. આ અંગેનો કેસ જૂનાગઢનાં ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ ભૂપેન્દ્રકુમાર જી. દવે સમક્ષ ચાલી જતા કોર્ટે જીલ્લા સરકારી વકીલ નિરવ કે. પુરોહિતની દલીલોને માન્ય રાખી કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી બંનેને આજીવન કેદની સજા અને રૂા. ૧-૧ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ફટકારી છે.
તું તારી મમ્મીને મારી નાખજે, હું બહાર ધ્યાન રાખીશ : પ્રેમી
માતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો એ વખતે અમિતે મીનાક્ષીને કહયું હતું કે, તું તારા મમ્મીને મારી નાખશે હું બહાર ધ્યાન રાખીને બેસીશ. આમ જયારે મીનાક્ષી જયારે પોતાની માતાની હત્યા કરતી હતી ત્યારે તેનો પ્રેમી ઘરની બહરા ધ્યાન રાખતો બેઠો હતો.
ગુનો છુપાવવા પુત્રીએ સીસીટીવી કેમેરાનો વાયર કાપી નાખ્યો હતો
મીનાક્ષીએ માતા દક્ષાબેનની હત્યા કરતા પહેલા પોતાનો ગુનો ઘરના જ સીસીટીવીમાં કેદ થઈ ન જાય એ માટે તેના ડીવીઆરમાં જતા પાવરનો છેડો જ કાપી નાખ્યો હતો.
આ રીતે આપ્યો હતો ગુનાને અંજામ
બનાવની રાત્રે મીનાક્ષીએ અમિતને પોતાને ઘરે મળવા બોલાવ્યો હતો બંને ઘરના નીચેના માળે બેઠા હતા ત્યારે દક્ષાબેન નીચે આવ્યા હતા અને બંનેને જાેઈ ગયા હતા એ વખતે મીનાક્ષીબેને અમિતને કહયું, મારા મમ્મી મારી નાખશે. દક્ષાબેને પુત્રીને કહયું તારૂ ભણવાનું બંધ, તારા બાપને આવવા દે, પછી વાત કરી ઝાપટ મારી હતી. આ ઝઘડા વખતે દક્ષાબેને બીજી પુત્રી મિત્તલને ઉઠાડી ઘરના મુખ્ય દરવાજાને તાળુ મરાવી ચાવી પોતાની પાસે બટવામાં રાખી દીધી હતી. અમિતને એ પહેલા રવાના કરી દીધો હતો. મોડીરાત્રે બધા નિંદ્રાધીન થયા પણ મીનાક્ષી જાગતી હતી. તેણે વિચાર્યુ સવારે મમ્મી પપ્પાને કહી દેશે તો ? આથી તેણે સ્ટોરરૂમમાંથી લોખંડનું પાનુ લાવી નિદ્રાધીન રહેલા દક્ષાબેનના માથામાં ૩ ઘા ઝીંકી દીધા હતા. તેઓ બેઠા થવા જતા માથાની પાછળ ઘા મારતા દક્ષાબેન પડી ગયા હતા આથી મિત્તલ અને રિષભ જાગી ગયા હતા. મીનાક્ષીએ બંનેને કહયું મમ્મીને માતાજી આવ્યા છે તે ધુણે છે પછી મિત્તલને ચોકડીમાં અને રિષભને સ્ટોરરૂમમાં બંધ કરી દીધા હતા. બાદમાં પાના વડે દક્ષાબેનના માથામાં ઉપરા ઉપરી ઘા ઝીંકી તેમને બ્લેન્કેટ ઓઢાડી બટવામાંથી ચાવી કાઢી મીતલ અને રિષધને લઈ પોતાના માસીને ત્યાં જતી રહી. માસીને એમ કહયું કે, મમ્મીએ ધૂણતા ધૂણતા પોતાની જાતે જ માથામાં દસ્તો મારી દીધો અને પોતાને પણ લોખંડના પાનાથી માર્યુ છે.


