માત્ર અડધી કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર પહોંચાડતી વેન્ચુરા એર કનેક્ટીવીટીની સેવા અવિરત શરૂ

૨૦૧૪થી ગુજરાતના વિવિધ શહેરોને જોડતી આ સેવાએ સામાન્ય માણસ માટે ઓછી કિંમતે હવાઈ મુસાફરીનું સ્વપ્ન સાકાર કર્યું છે

માત્ર અડધી કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર પહોંચાડતી વેન્ચુરા એર કનેક્ટીવીટીની સેવા અવિરત શરૂ

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી તા.૧૮ 
સુરત શહેરની પોતાની હવાઈ સેવા કંપની Venture Airconnect દ્વારા સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધી દૈનિક હવાઈ સેવાઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી માત્ર ૩૦ મિનિટ જેટલા ઓછા સમયમાં પહોંચવાની સુવિધા સાથે આ સેવા સુરતવાસીઓ માટે સમય બચાવતી અને સુલભ મુસાફરીનો વિકલ્પ બની ચૂકી છે. સુરત શહેરના ઉદ્યોગપતિઓના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૪થી વેન્ચુરા એરલાઇન્સ સેવા કોઈપણ અડચણ વિના અવિરત ચાલી રહી છે, જે સુરત તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. વેન્ચુરા એરકનેક્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી સુરત-અમદાવાદ, સુરત-ભાવનગર, સુરત-રાજકોટ અને સુરત-અમરેલી વચ્ચે દરેક વર્ગના લોકો પોષાય તેવા નજીવા ભાડે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. 
વિશ્વની સૌથી સુરક્ષિત શ્રેણીમાં ગણાતા ૯ સીટર વિમાનો મારફતે આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના લાભથી અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી છે. આ વિમાનોમાં ૯ મુસાફરો સાથે ૨ પાઈલોટ ઉડાન ભરે છે. સેક્ટર પ્રમાણે મુસાફરીનો સમય સુરતથી ભાવનગર અંદાજે ૩૦ મિનિટ, સુરતથી અમરેલી ૪૫ મિનિટ, જ્યારે સુરતથી અમદાવાદ તથા સુરતથી રાજકોટ આશરે ૬૦ મિનિટનો રહે છે. વેન્ચુરાના વિમાનોમાં મુસાફરી કરનાર લોકોના જણાવ્યા મુજબ, નાના વિમાનોમાં ઉડાનનો અનુભવ મોટા વિમાનો કરતા અલગ અને રોમાંચક હોય છે. મુસાફરો પોતાની સાથે પાઈલોટને વિમાન ચલાવતા જોઈને વિશેષ આનંદ અનુભવે છે. ઉપરાંત, વિન્ડો સીટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી, જેથી મુસાફરો વધુ સંતોષ વ્યક્ત કરે છે. 
વેન્ચુરાની હવાઈ સેવાથી વૃદ્ધો, બાળકો તેમજ સામાન્ય વર્ગના યુવાનો કે જેઓએ અગાઉ ક્યારેય વિમાનમાં મુસાફરી કરી ન હતી એ પણ ઓછી કિંમતે હવાઈ મુસાફરીનો આનંદ લીધો છે. વેન્ચુરા એરલાઇન્સના જણાવ્યા મુજબ, બફેલો હીટની ઘટના બાદ જ્યારે સુરત એરપોર્ટ બંધ હતું અને કોઈ પણ એરલાઇન્સની સેવા ઉપલબ્ધ નહોતી, ત્યારે સુરતના ઉદ્યોગપતિઓએ આર્થિક નુકસાનની પરવા કર્યા વગર શહેર માટે વેન્ચુરા એરલાઇન્સની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૪માં વાવેલ આ બીજ આજે સુરતને આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરીકે ઓળખ અપાવતી સિદ્ધિમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે, જેમાં વેન્ચુરા એરકનેક્ટનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. 
વેન્ચુરા એરલાઇન્સ દ્વારા તાજેતરમાં એક લક્ઝરીયસ, ઝડપી અને અત્યંત સુરક્ષિત ૮ સીટર ચાર્ટર્ડ વિમાન Pilatus PC-12 સેવામાં ઉમેરવામાં આવ્યું છે. આ વિમાન સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત કંપની Pilatus Aircraft દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ચાર્ટર્ડ સેવાનો લાભ લઈને મુસાફરો પોતાની અનુકૂળતા મુજબ સુરતથી નિર્ધારિત સ્થળે જઈ શકે છે, જે ઈમરજન્સી અને કોર્પોરેટ મીટિંગો માટે વિશેષ લાભરૂપ બનશે. માનવસેવામાં એક વધુ પગલું ભરીને વેન્ચુરા એરકનેક્ટને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કેસમાં માનવ અંગો એક શહેરથી બીજા શહેર સુધી ઝડપી પહોંચાડવા માટે મેડિકલ મંજૂરી મળી છે. આ મંજૂરી બાદ એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફરની સેવા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, જે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નજીવા ભાડે ઉપલબ્ધ રહેશે. 
આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાત્કાલિક સ્થિતિમાં દર્દીઓને સમયસર અંગો ઉપલબ્ધ કરાવી માનવજીવન બચાવવાનો છે. આ પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV એટલે કે ‘દેવ વિમાન’ તરીકે ઓળખાય છે, જે નામ મુજબ દેવદૂત બનીને જીવ બચાવવાનું કાર્ય કરી રહ્યું છે.
સુરતમાં અદ્યતન વિમાન મેન્ટેનન્સ સુવિધા શરૂ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત ખાતે એકમાત્ર અને આધુનિક સુવિધાયુક્ત વિમાન મેન્ટેનન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાથી સુરતમાં ઉડ્ડયન મેન્ટેનન્સ ક્ષેત્રે નવા યુગની શરૂઆત થશે. 
મુંબઈ અને અમદાવાદ જેવા વ્યસ્ત એરપોર્ટ્સ પર જગ્યાની અછત તથા વધુ ખર્ચને કારણે હવે દેશભરના વિમાનો મેન્ટેનન્સ માટે સુરત આવી શકે છે. આથી સુરત એરપોર્ટનો વૈશ્વિક દરજ્જો પણ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.