સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ, નર્મદા નદીમાં પર્યટનને મળશે નવી દિશા

તમામ જરૂરી મંજૂરી બાદ ટૂંક સમયમાં સેવા શરૂ થશે, કોર્પોરેટ ઇવેન્ટ્સથી લઈને ખાનગી ઉજવણીઓ સુધી માટે રહેશે વિશ્વસ્તરીય સુવિધાઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ, નર્મદા નદીમાં પર્યટનને મળશે નવી દિશા

એકતા નગર, નર્મદા તા.04
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક વિશ્વસ્તરીય આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી મળ્યા બાદ આ ક્રૂઝ સેવા ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક કાર્યરત છે, જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ સફર દરમિયાન પ્રવાસીઓને કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના મનોહર દૃશ્યોનો અનોખો અનુભવ મળે છે. વધતી પ્રવાસીઓની સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ ક્ષમતા અને આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ લોન્ચ કરવામાં આવી છે.
નવી ક્રૂઝને માત્ર પ્રવાસન પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. તેને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, સંગીત સંધ્યા, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ આપશે.
ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે તેનો નજારો વધુ મનમોહક બનશે. 30 મીટર લાંબી અને 12 મીટર પહોળી આ ભવ્ય ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા તેમજ 5×4 મીટરનું વિશાળ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન સરળતાથી થઈ શકશે.
હાલમાં કાર્યરત ક્રૂઝની સરખામણીએ નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે વધુ આધુનિક છે. હાલની ક્રૂઝમાં 200 પ્રવાસીઓની ક્ષમતા, 100 લોકો માટે ડાઇનિંગ સુવિધા, 24 મીટરની લંબાઈ, 9 મીટરની પહોળાઈ અને 4×3 મીટરનું સ્ટેજ ઉપલબ્ધ છે, જ્યારે નવી ક્રૂઝ આ તમામ બાબતોમાં વધુ વિશાળ અને સુવિધાસભર છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય અનુભવ આપવા માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. આ નવી ક્રૂઝના ઉમેરાથી એકતા નગરનું પર્યટન વધુ મજબૂત બનશે. સાથે જ લગ્ન સમારંભો, કોર્પોરેટ કાર્યક્રમો અને વિવિધ ખાનગી ઉજવણીઓ માટે પણ નર્મદા નદીના કિનારે એક અનોખું સ્થળ ઉપલબ્ધ બનશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે હવે પ્રવાસીઓ નર્મદા નદીમાં આ ભવ્ય અને આધુનિક ક્રૂઝનો આનંદ પણ માણી શકશે. આ નવી સુવિધાથી ગુજરાતના પર્યટન ક્ષેત્રને નવી ગતિ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.