સલમાન ખાન સાથે કામ કરતાં જ રાતોરાત સ્ટાર બની હતી આ એક્ટ્રેસ, હિટ ફિલ્મો બાદ પણ થઈ ગઈ ઈન્ડસ્ટ્રીથી દૂર

‘તેરે નામ’થી મળી જબરદસ્ત લોકપ્રિયતા, અભિષેક બચ્ચન સાથે પણ કર્યું કામ; આજે પણ ચાહકોના દિલમાં ખાસ સ્થાન

સલમાન ખાન સાથે કામ કરતાં જ રાતોરાત સ્ટાર બની હતી આ એક્ટ્રેસ, હિટ ફિલ્મો બાદ પણ થઈ ગઈ ઈન્ડસ્ટ્રીથી દૂર

મુંબઈ, તા. ૨૨:
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહી છે, જેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જબરદસ્ત સફળતા મેળવી અને મોટા સ્ટાર્સ સાથે કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી, પરંતુ સમય જતાં તેઓ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ. આવી જ એક અભિનેત્રી છે ભૂમિકા ચાવલા, જેણે સલમાન ખાન અને અભિષેક બચ્ચન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું.
ભૂમિકા ચાવલાનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૭૮ના રોજ દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા કર્નલ અહંકાર ચાવલા ભારતીય સેનામાં અધિકારી હતા. ભૂમિકાએ દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
અભ્યાસ બાદ ભૂમિકાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમની સુંદરતા અને વ્યક્તિત્વને કારણે તેમને જાહેરાતો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક મળવા લાગી. ખાસ કરીને એક ફેયરનેસ ક્રીમની જાહેરાતમાં કામ કર્યા બાદ તેમને મોટી ઓળખ મળી હતી. આ જાહેરાત ભૂમિકા ચાવલાની કારકિર્દી માટે મહત્વનો વળાંક સાબિત થઈ હતી.
ત્યારબાદ ભૂમિકાએ ટેલિવિઝનની દુનિયામાં પણ પ્રવેશ કર્યો હતો. ઝી ટીવીની જાણીતી સીરિયલ ‘હિપ હિપ હુર્રે’માં કામ કરીને તેમણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેઓ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યા હતા.
ભૂમિકાએ વર્ષ ૨૦૦૦માં તેલુગુ ફિલ્મ ‘યુવકુડુ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ૨૦૦૧માં આવેલી ‘કુશી’ ફિલ્મ તેમના કરિયરની મહત્વપૂર્ણ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો અને તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
જોકે, ભૂમિકા ચાવલાને હિન્દી સિનેમામાં મોટી ઓળખ વર્ષ ૨૦૦૩માં મળી હતી. આ વર્ષે તેઓ સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’માં જોવા મળ્યા હતા. સતીશ કૌશિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને ભૂમિકાનું પાત્ર પણ દર્શકોના દિલમાં વસી ગયું હતું. ફિલ્મની સફળતા બાદ ભૂમિકા રાતોરાત બોલિવૂડમાં જાણીતી બની ગઈ હતી.
ત્યારબાદ ભૂમિકા ચાવલાએ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘રન’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ તેમના અભિનયની નોંધ લેવામાં આવી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું અને અનેક સફળ ફિલ્મોનો ભાગ બન્યા.
એક સમય એવો હતો જ્યારે ભૂમિકા ચાવલા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ હતી. જોકે, સફળ ફિલ્મો અને મોટા સ્ટાર્સ સાથે કામ કર્યા બાદ પણ તેમની કારકિર્દી લાંબા સમય સુધી ટોચ પર રહી શકી નહીં અને ધીમે ધીમે તેઓ ફિલ્મી દુનિયાથી દૂર થતા ગયા.
આજે ભૂમિકા ચાવલા ભલે બોલિવૂડમાં પહેલાં જેટલી સક્રિય ન હોય, પરંતુ ‘તેરે નામ’માં સલમાન ખાન સાથેની તેમની જોડી અને અભિનયને કારણે તેઓ આજે પણ ચાહકોમાં યાદગાર સ્થાન ધરાવે છે.