‘માયસા’ના શૂટિંગ દરમિયાન રશ્મિકા મંદાનાને ઈજા, ટૂંક સમયમાં સેટ પર પરત ફરવાનો આપ્યો સંકેત
જમણા પગના સ્નાયુમાં ઈજા બાદ હાલ આરામ પર અભિનેત્રી; શૂટિંગમાં બ્રેકને કારણે ફિલ્મની રિલીઝ યોજના બદલાય તેવી શક્યતા
મુંબઈ, તા.૧
અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની મહત્વની ફિલ્મ ‘માયસા’ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ હાલ આરામ કરી રહી છે. અહેવાલ મુજબ શૂટિંગ દરમિયાન તેના જમણા પગનો સ્નાયુ ખેંચાઈ ગયો હતો. જોકે, રશ્મિકાએ ચાહકોને ટૂંક સમયમાં કામ પર પરત ફરવાનો સંકેત આપ્યો છે.
રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં રશ્મિકાએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ફરી કામ શરૂ કરશે. જોકે, શૂટિંગ સેટ પર તેની વાપસી ક્યારે થશે તેની કોઈ ચોક્કસ તારીખ કે સમયમર્યાદા તેણે જાહેર કરી નથી.
ઈજા બાદ આરામના સમયની કેટલીક તસવીરો પણ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં તે પૂજા કરતી, કુદરતી દૃશ્યોનો આનંદ માણતી અને પઝલ્સ સાથે સમય પસાર કરતી જોવા મળી રહી છે.
‘માયસા’ રશ્મિકાના આગામી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાંથી એક છે. જુલાઈ ૨૦૨૫માં ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં રશ્મિકા હાથમાં શસ્ત્ર સાથે લોહીથી લથપથ અંદાજમાં જોવા મળી હતી. તેના આ લૂકને કારણે ફિલ્મમાં રશ્મિકાના પાત્રને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી હતી.
ફિલ્મમાં રશ્મિકા મંદાનાની સાથે ગુરુ સોમસુંદરમ અને ઈશ્વરી રાવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ‘માયસા’ને આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવાની યોજના હોવાનું જણાવાયું હતું. જોકે, રશ્મિકાની ઈજાને કારણે શૂટિંગમાં આવેલા બ્રેક બાદ ફિલ્મના નિર્માણ શેડ્યૂલ પર અસર પડી શકે છે અને તેના કારણે રિલીઝની તારીખમાં પણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


