શાલિની પાંડેના નામે વાંધાજનક વીડિયો વાયરલ, અભિનેત્રીએ કહ્યું- ‘આ હું નથી, વીડિયો AIથી બનાવાયો છે’

‘અર્જુન રેડ્ડી’ ફેમ અભિનેત્રીએ વીડિયો શેર કે ફોરવર્ડ ન કરવા કરી અપીલ; AI અને ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અંગે ફરી ઊભા થયા સવાલ

શાલિની પાંડેના નામે વાંધાજનક વીડિયો વાયરલ, અભિનેત્રીએ કહ્યું- ‘આ હું નથી, વીડિયો AIથી બનાવાયો છે’

મુંબઈ, તા.૧
‘અર્જુન રેડ્ડી’થી લોકપ્રિય બનેલી અભિનેત્રી શાલિની પાંડેના નામ સાથે જોડાયેલો એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેત્રીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. શાલિનીએ વાયરલ વીડિયોને સંપૂર્ણપણે બનાવટી ગણાવતા કહ્યું છે કે વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ તે નથી અને AI ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલા કન્ટેન્ટને ખોટી રીતે તેના નામ સાથે જોડવામાં આવી રહ્યું છે.
શાલિની પાંડેએ સોશિયલ મીડિયા મારફતે ચાહકો અને અન્ય યુઝર્સને આવા વીડિયો પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે. સાથે જ વાંધાજનક બનાવટી વીડિયોને શેર કે ફોરવર્ડ ન કરવાની પણ અપીલ કરી છે.
આ ઘટનાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અંગે ફરી ચર્ચા ઊભી કરી છે. AIની મદદથી કોઈ વ્યક્તિના ચહેરા કે દેખાવને અન્ય વીડિયો સાથે જોડીને અત્યંત વાસ્તવિક દેખાતું બનાવટી કન્ટેન્ટ તૈયાર કરી શકાય છે. જેના કારણે સામાન્ય યુઝર્સ માટે અસલી અને નકલી વીડિયો વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બની શકે છે.
શાલિની પાંડેને વર્ષ ૨૦૧૭માં આવેલી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી મોટી ઓળખ મળી હતી. ફિલ્મમાં તેણે પ્રીતિનું પાત્ર ભજવ્યું હતું અને વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
‘અર્જુન રેડ્ડી’ની સફળતા બાદ શાલિનીએ અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે રણવીર સિંહ સાથેની ‘જયેશભાઈ જોરદાર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે પોતાના નામ સાથે જોડાયેલા કથિત AI-જનરેટેડ વીડિયો અંગે સ્પષ્ટતા કરીને અભિનેત્રીએ લોકોને આવા બનાવટી કન્ટેન્ટથી સાવચેત રહેવા અપીલ કરી છે.