પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પરીવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા
દારૂબંધી હટાવવાથી ગુજરાત સરકારને હજારો કરોડની આવક થાય : દારૂબંધી મુદે નિતીન પટેલનું નિવેદન
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૪
શ્રાવણ માસનાં આજે બીજા સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહ પરીવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચતા તેમનું મંદિર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવેલ હતું. સોમનાથ મહાદેવનાં દર્શન કરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી ભાવવિભોર બન્યા હતાં અને સારા વરસાદ માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે એક મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે દારૂબંધી હટાવવાથી ગુજરાત સરકારને હજારો કરોડોની આવક થાય તેમ છે પરંતુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા દારૂબંધીને કારણે જ મજબુત છે. ઉપરાંત મોટાભાગનાં ગુજરાતીઓ દારૂબંધીનાં સમર્થનમાં હોવાનું જણાવ્યું છે. આ તકે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલાનાં દારૂબંધી મુકિતનાં નિવેદનને વ્યકિતગત ગણાવ્યું હતું. તાજેતરમાં નીટ પેપર ફુટવા પ્રશ્ને ઝેન-ઝી આંદોલન કરવામાં આવ્યું હતું આ મુદે પણ નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે આંદોલન આઝાદી વખતે પણ થતા હતા અને આઝાદી પછી પણ થયા છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સમયે તેઓ પણ યુવા અવસ્થામાં આંદોલનમાં જાેડાઈ ચુકયા છે. વિશેષમાં ઝેન-ઝી શબ્દો નવો આવ્યો છે પરંતુ યુવાનો હંમેશા કોઈ વિચાર આવે કે પ્રેરણા, પ્રોત્સાહન મળે ત્યારે પોતાની મેળે આંદોલન કરતા હોય છે. સામા પક્ષે જે કોઈ સરકાર હોય કે નેતાગીરી હોય એમણે પણ યુવાનોને પ્રેમથી સમજાવી અને યુવાનોનાં આંદોલનને સમેટવું જાેઈએ. દિલ્હી જંતરમંતર ખાતે પણ સરકારે સમજદારીપૂર્વક આંદોલનનો સુખદ અંત લાવ્યો છે તેમ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું.


