આપના ધારાસભ્ય ચૈતર વસાવા ૬૩ દિવસ બાદ જેલમાંથી મુક્ત : ત્રણ દિવસના શરતી જામીન
(બ્યુરો) રાજપીપળા તા.૮
દેડીયાપાડાથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. વસાવા ૮થી ૧૦ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પરિવારજનો અને કાર્યકરોએ ચેતર વસાવાનું સ્વાગત કર્યું હતું. વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે.
૬૩ દિવસના જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે. તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી ૧ સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી. ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીના જણાવ્યા મુજબ, કોર્ટના આદેશ મુજબ, વસાવાએ ૮, ૯, અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે બહાર રહેવાનું હતું. પરંતુ, આ ખર્ચ વધુ લાગતાં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા, જ્યાં કોર્ટે ૪ સપ્ટેમ્બરે કેટલીક નવી શરતો સાથે પોલીસ જાપ્તા વગર જામીન મંજૂર કર્યા. હવે વસાવા પોતાના ખર્ચે જેલની બહાર રહી શકશે. જો કે, ૧૦ સપ્ટેમ્બરના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે.


