ભાણવડના વાનાવડમાં વનવિભાગ અને એનીમલ લવર્સ ગૃપ દ્વારા એક જ રાત્રિમાં બે મહાકાય મગરોના સફળ રેસ્કયું

ભાણવડના વાનાવડમાં વનવિભાગ અને એનીમલ લવર્સ ગૃપ દ્વારા એક જ રાત્રિમાં બે મહાકાય મગરોના સફળ રેસ્કયું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.3
ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં ગતરાત્રિએ એનીમલ લવર્સ ગૃપ અને વનવિભાગની ટીમના સંયુકત રેસ્કયુ ઓપરેશનમાં વાડી વિસ્તારમાંથી એક જ રાત્રિમાં બે મહાકાય મગરોના રેસ્કયુ કરી સુરક્ષીત રીતે બરડાના જંગલોમાં મુકત કરવામાં આવ્યા હતા. વાનાવડ ગામની એક વાડીમાં છ ફૂટ લાંબો મગર જોવા મળતાં ફફડાટ મચી ગયો હતો. વાડીના માલીકે તુરંત એનીમલ લવર્સ ગૃપને જાણ કરતા ભાણવડના વન વિભાગની ટીમ ટ્રેકર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત પાંજરે પૂરી બરડાના જંગલમાં કુદરતી આવાસમાં છોડવા રવાના કર્યો હતો.
મોડી રાત્રિના વાનાવડના જ અન્ય એક વાડી વિસ્તારમાંથી બીજા મગર હોવાની મળેલ માહિતી મળતાં વન વિભાગ અને એનીમલ લવર્સ ગૃપના સહયારા પ્રયાસથી બીજા વધુ કદ્દાવર મગરને પણ રેસ્કયુ કરી સુરક્ષિત રીતે બરડા ડુંગરમાં છોડવા રવાના કર્યો હતો. એક જ રાત્રિમાં બે મહાકાય મગરોના સફળ રેસ્કયુથી વાનાવડના ગ્રામજનોઅ હાશકારો અનુભવ્યો હતો. વનવિભાગ અને એનીમલ લવર્સ ગૃપની કામગીરીને સમગ્ર પંથકમાં સરાહના મળી રહી છે.