ભર શિયાળે માવઠું : ૪ જીલ્લામાં યલો એલર્ટ : લગ્ન સમારંભો પર આભ ફાટયું
ગુજરાત ઉપર અત્યારે ત્રણ સીસ્ટમ સક્રીય : સુરત, અંકલેશ્વર, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા જીલ્લામાં કમોસમી વરસાદ
(બ્યુરો) સુરત તા.ર૦
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણો ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે.
વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે. ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે લોકોએ એકસાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો, સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારની સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી.


