ટ્રમ્પને ભારે ફટકો : ઈરાન પર હુમલો કરવા માટે બ્રિટને એરબેઝ આપવાનો ઈન્કાર કર્યો
(એજન્સી) લંડન તા.૨૦:
ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે.
બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું
ઉલ્લંઘન કરવા માંગતા નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ અને હિન્દ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક ડિયેગો ગાસિર્ય સૈન્ય મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે. બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર પોતાની અને સાથી દેશોની સુરક્ષા સુધી જ મર્યાદિત રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકારના આ વલણની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો ઈરાન પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં કરે, તો અમેરિકાને આ સૈન્ય મથકોની જરૂર પડી શકે છે. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાનના આ ર્નિણયને મોટી ભૂલ ગણાવીને પોતાનો અસંતોષ વ્યકત કર્યો છે.


