ઉના શહેર અને તાલુકામાં મેઘરાજની તોફાની બેટિંગ ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદ
નદીઓમાં ઘોડા પુર આવ્યા : ગામોમાં પાણી ઘુસી જતા ૫૦થી વધુ પશુઓ તણાયા વાવરડા ગામે વીજળી પડતા ભેંસનું મોત
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.6
ઉના શહેર અને તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલ છે. સૂપડા ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને વીજળી ના કડાકા ભડકા સાથે આખી રાત વરસાદ વરસ્યો હતો. જે સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો અને રવિવારે સવારથી ધીમી ધારે અને જોરદાર વરસાદ વરસ્યો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ચોવીસ કલાકમાં દસ ઈંચ વરસાદ વરસ્યો હતો. મોસમનો કુલ વરસાદ 15 ઇંચ 350 એમ.એમ. થયો છે. ભારે વરસાદ ને કારણે ઉના શહેરમાં આવેલ હીરા તળાવમાં નગરપાલિકા દ્વારા ગામનું પાણી ગામમાં વરસાદી પાણી તળાવમાં ઠાલવવા પાઇપ લાઇન ફિટ કરી હતી જેથી તળાવમાં પાણીની આવક થતા ઉના શહેરના તમામ કુવા અને બોરના તળ ઊંચા આવશે. ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સનખડા, ગાંગડા, ખત્રીવાડા, માણેકપુરમાં 15થી વધુ ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ આ ગામમાં પસાર થતી રાવલ, માલણ, રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા સનખડા ગામમાં નીચાણ વાળા વિસ્તારમાં નદીનું પૂરનું પાણી ભરાઈ જતા મકાનમાં પાણી ભરાય જતા તુરંત મામલતદાર કચેરીના અધિકારીઓ એન.ડી.આર.એફ. ટીમ, ફાયર ટીમને લઈ રાત્રિના તમામ લોકોને રેસ્ક્યું કરી ગાંગડા ગામે સલામત સ્થળે ખસેડ્યા હતા. તેમજ સનખડા ખત્રીવાડા જતા રોડ ઉપર ત્રણ નદી ભેગી થતી હોય ભારે પૂરને કારણે ખત્રીવાડા ગામે જતો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહારથી છૂટું પડી ગયું હતું. તેમજ રૂપેણ નદીમાં પુરને કારણે ગાંગડા ગામે હાઈવે રોડ ઉપર આવેલ ભગીરથ હોટલ અને તુલસી હોટલમાં પૂરનું પાણી આવી જતા હોટલમાં પાણી ઘુસી ગયા હતા. ઉનાથી દેલવાડા સૈયદ રાજપરા જતા રોડ ઉપર પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ભારે વરસાદ અને નદીમાં ઘોડા પુરને કારણે આ વિસ્તારમાંથી 50થી વધુ ઘેટા-બકરાઓ અને પશુઓ તણાઈ ગયાનું જાણવા મળેલ છે. ઉના તાલુકાના વાવરડા ગામની સીમમાં બકુભાઇ દેસાભાઈ ગોહિલની વાડીમાં બાંધેલ એક ભેંસ ઉપર વીજળી પડતાં ભેંસનું મોત થયું હતું. આર્થિક નુકશાની થશે.


