શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ

દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સની સેવામાં જીલ્લા વહીવટી તંત્રનું ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ સમાન ઉમદા યોગદાન

શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.19
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના યાત્રિકો, ખાસ કરીને દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની સુવિધામાં યોગદાન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન.વી.ઉપાધ્યાય  દ્વારા શ્રી સોમનાથ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓની સુખદાયક યાત્રા માટે એક અદ્યતન ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી વિનામૂલ્યે ઈલેક્ટ્રીક ગોલ્ફ-કાર્ટ પરિવહન અને વ્હીલચેર જેવી શ્રેષ્ઠ સેવાઓ ચલાવવામાં આવી રહી છે. સોમનાથ ટ્રસ્ટના આ ભગીરથ અને માનવતાવાદી કાર્યમાં સહભાગી થઈને જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા આ ગોલ્ફકાર્ટ ભેટ આપીને ‘ફૂલની પાંખડી’ સ્વરૂપે તંત્રનું મહત્વપૂર્ણ અનુદાન નોંધાવ્યું છે. આ શુભ પ્રસંગે મંદિરના પુજારી દ્વારા ચંદન તિલક કરીને વહીવટી તંત્ર તરફથી મળેલ ભેટને અભિવાદિત કરવામાં આવી હતી.