ઉનાના ઝાખરવાડા ગામે દારૂ પીવા માતાએ દીકરાને રૂપિયા ના આપતા લાકડાના ધોકા વડે માર માર્યો
ઉના તા. 19
ઉના તાલુકાના ઝાંખરવાડા ગામે રહેતા જશુબેન જમનાદાસ સોલંકીના પતિનું અવસાન થયેલ છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો ચેતન છે. ચેતન દારૂ પીવાની ટેવ વાળો છે. રાત્રિના ચેતને માતાને દારૂ પીવા રૂપિયા માંગતા માતા જશુબેન રૂપિયા આપવાની ના પાડતા ચેતન ઉશ્કેરાઈ જઈ માતા જશુબેનને ઘરમાં પડેલ લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો અને માતા લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ પડી ગયા હતા. તેમને તુરંત ઊના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબે માતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું અને વધુ સારવાર માટે ભાવનગર લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કપાતર દીકરો ચેતન પણ હાજર હતો તેમના મુખ ઉપર માતાને મારવાનો કોઈ અફસોસ કે પસ્તાવો દેખાતો ન હતો અને કહેતો હતો કે માતાએ દારૂ પીવા રૂપિયા ના આપતા મારી હતી. પોલીસે કલયુગના કપાતર પુત્ર ચેતનને અટક કરી કાર્યવાહી કરી હતી.


