તૃણમુલ સાથે છેડો ફાડનારા યુસુફ પઠાણ પર ગુજરાત સરકારની કૃપા દ્રષ્ટિ : કરોડોની કિંમતનો પ્લોટ ભેટમાં આપ્યો
વડોદરા તા.૨૦ :
રાજકારણમાં દરેક નેતાની એક કિંમત હોય છે તે ફરી એક વખત ભાજપે સાબીત કરી દીધુ છે. પુર્વ ક્રિકેટર તથા તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણી બાદ પક્ષમાંથી અન્ય ૨૦ સાંસદો સાથે બાગી થયા અને હવે સંસદમાં એનડીએના ટેકામાં આવી જશે તે નિશ્ચિત થતા જ વડોદરામાં ચાલી રહેલા એક સરકારી પ્લોટ પર યુસુફ પઠાણના કબ્જાના વિવાદનો અંત આવી ગયો છે.
માનવામાં આવે છે કે, દિલ્હીથી મળેલી ‘સૂચના‘ બાદ હવે આ ગેરકાનુની કબ્જો કરેલો પ્લોટ યુસુફ પઠાણને છોડવા પડશે નહી કે બજાર કિંમત પણ ચૂકવવી પડશે નહી. ગુજરાત સરકારે ૯૭૮ સ્કવેર મીટરનો આ પ્લોટ હવે યુસુફ પઠાણને એલોટ કરવા એટલે કે ફાળવવા ર્નિણય લીધો છે. વડોદરા મહાપાલિકાએ ૨૦૨૪માં આ પ્લોટ પર ગેરકાનુની દબાણ બદલ યુસુફ પઠાણને નોટીસ ફટકારીને પ્લોટ ખાલી કરવા જણાવ્યુ હતું.
હાલમાં, VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) એ પ્લોટ ફાળવણી માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો છે, જ્યાં અંતિમ ર્નિણય લેવામાં આવશે. હકીકતમાં, ગુજરાત સરકાર દ્વારા યુસુફ પઠાણને જમીન ફાળવવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. VMCએ તેના આધારે પોતાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ સમગ્ર મામલો ૯૭૮ ચોરસ મીટરના પ્લોટનો છે.


