ગાંધીનગરમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો : આરોગ્ય તંત્રમાં દોડધામ
ચારધામ યાત્રાથી પરત ફરેલા મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ
(બ્યુરો) ગાંધીનગર તા.12
ઘણા સમયથી કોરોના મહામારી ભૂતકાળ બની ચૂકી હતી અને લોકો વાયરસના ભય વિના સામાન્ય જીવન જીવી રહ્યા હતા, ત્યારે શહેરમાં કોરોનાની ફરી સત્તાવાર એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય આધેડ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉનાળુ વેકેશનના માહોલ વચ્ચે શહેરમાં સંક્રમણનો નવો કેસ સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સંક્રમિત થયેલા આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચારધામની ધામિર્ક યાત્રા પૂર્ણ કરીને થોડા દિવસો પહેલાં જ ગાંધીનગર પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ તેમને અચાનક શરદી, ઊધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાતા તેઓ બીમાર પડ્યા હતા. મહિલાની તબિયત વધુ લથડતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકારી પ્રોટોકોલ મુજબ મહિલાને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમની સ્થિતિ સ્થિર છે.


