આજે ઝારખંડ બંધનું ભાજપનુ એલાન : તંગદીલી
રાંચી તા.૧૧
ઝારખંડમાં જેપીએસસી-જેએસએસસીમાં કથિત ગેરરીતિ વિરૂદ્ધ વિદ્યાર્થીઓનું આંદોલન મંગળવારે ૧૮મા દિવસે પણ ચાલુ છે. ગઈકાલે સોમવારે વિધાનસભા ઘેરાવ દરમિયાન થયેલા લાઠીચાર્જને લઈને ભાજપે આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.
રાંચીના હરમુ ચોકમાં કાર્યકરોએ ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું, કેટલાક સમર્થકો જેસીબી પર ચઢીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. ચાઈબાસામાં દુકાનોને બળજબરીથી બંધ કરાવવામાં આવી રહી છે. બાકીના જિલ્લાઓમાં પણ કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે.
આ તરફ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થીઓએ આંદોલનના સમર્થનમાં વિધાનસભા માર્ચ કરવાની જાહેરાત કરી છે.
સોમવારે રાંચીમાં પ્રદર્શન કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ તોડીને વિધાનસભા ગેટ સુધી પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે તેમને ગેટ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓ ન હટ્યા તો પોલીસે વોટર કેનન ચલાવ્યું અને લાઠીચાર્જ કર્યો. આનાથી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા.


