પેરિસમાં બીમાર પ્રીતિ ઝિન્ટા માટે પાડોશીએ મોકલ્યા કઢી-ચોખા, અભિનેત્રી બોલી- ‘ઓહ માય ગોડ!’

તાવમાં મનપસંદ દેશી ભોજન મળતાં પ્રીતિ થઈ ભાવુક, કહ્યું- નાનકડા સ્નેહભર્યા પ્રયાસે દિલ પર ઊંડી છાપ છોડી

પેરિસમાં બીમાર પ્રીતિ ઝિન્ટા માટે પાડોશીએ મોકલ્યા કઢી-ચોખા, અભિનેત્રી બોલી- ‘ઓહ માય ગોડ!’

મુંબઈ, તા.૨૯
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પેરિસમાં પોતાની સાથે બનેલો એક લાગણીસભર અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તાવને કારણે અસ્વસ્થ પ્રીતિને ત્યાં રહેતા એક પરિવારે તેના મનપસંદ કઢી-ચોખા મોકલ્યા હતા. અજાણ્યા શહેરમાં મળેલા આ સ્નેહ અને આત્મીયતાએ અભિનેત્રીને ભાવુક કરી દીધી હતી.
પ્રીતિએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પેરિસમાં રહેતી વખતે તેને તાવ આવ્યો હતો અને તેની તબિયત સારી નહોતી. તેની એક મિત્રએ આ અંગે પોતાના પાડોશીને જાણ કરી હતી. પ્રીતિની તબિયત વિશે જાણ થતાં જ પાડોશી પરિવારે તેના માટે મનપસંદ દેશી ભોજન તૈયાર કરીને મોકલ્યું હતું.
પ્રીતિએ આ પરિવારનો આભાર વ્યક્ત કરતાં તેમને પેરિસમાં રહેતો સૌથી પ્રેમાળ અને દયાળુ પરિવાર ગણાવ્યો હતો. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, દયા અને પોતાનાપણાથી કરવામાં આવેલા આવા નાના પ્રયાસો માત્ર વ્યક્તિનો દિવસ જ સારો નથી બનાવતા, પરંતુ લાંબા સમય સુધી યાદ પણ રહી જાય છે. તેણે આ અનુભવને પંજાબી મહેમાનગતિનું સુંદર ઉદાહરણ ગણાવ્યું હતું.
પ્રીતિએ શેર કરેલા વીડિયોમાં તે ભોજનના ડબ્બા ખોલતી જોવા મળે છે. એક ડબ્બામાં બટાકા-કોબીજનું શાક અને બીજા ટિફિનમાં તેના મનપસંદ કઢી-ચોખા જોવા મળે છે. કઢી-ચોખા જોતાં જ પ્રીતિએ ખુશી વ્યક્ત કરતાં ‘ઓહ માય ગોડ’ કહ્યું હતું. બીમારી દરમિયાન કમ્ફર્ટ ફૂડ મળવાની ખુશી પણ તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી.
થોડા દિવસ પહેલાં જ પ્રીતિ ઝિન્ટાએ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પેરિસના ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની કેટલીક ઝલક પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સફેદ વસ્ત્રોમાં પ્રીતિ મંદિરમાં પૂજા-અર્ચના અને દીવો પ્રગટાવતી જોવા મળી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બંટવારા ૧૯૪૭’ સાથે લગભગ આઠ વર્ષના લાંબા વિરામ બાદ મોટા પડદા પર પુનરાગમન કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં છે.