અમાલ મલિકે ફિલ્મી સંગીતમાંથી લીધો બ્રેક, ભાવુક પોસ્ટમાં કહ્યું- ‘હવે મને વિદાય આપો’

સોશિયલ મીડિયા પર નિર્ણયની જાણકારી આપતાં ફેન્સને પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ, વાપસી અંગે હાલ કોઈ સ્પષ્ટતા નહીં

અમાલ મલિકે ફિલ્મી સંગીતમાંથી લીધો બ્રેક, ભાવુક પોસ્ટમાં કહ્યું- ‘હવે મને વિદાય આપો’

મુંબઈ, તા.૨૯
બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિકે ફિલ્મી સંગીતથી થોડા સમય માટે અંતર રાખવાનો નિર્ણય લીધો છે. અમાલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. સાથે જ તેણે હાલ પોતાની જાત અને વ્યક્તિગત શાંતિને પ્રાથમિકતા આપવાનો સંકેત આપ્યો છે.
અમાલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તે ઠીક છે અને પોતાના માટે જે યોગ્ય હશે તે કરવા માગે છે. તેણે જણાવ્યું કે હવે તે પોતાના દિલ અને સ્વાસ્થ્ય માટે જે જરૂરી હશે તેને પ્રાથમિકતા આપશે.
આ પોસ્ટ સામે આવ્યા બાદ અમાલના ચાહકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, તેણે પોતાના નિર્ણય પાછળના કારણો અંગે વધુ વિગતો જાહેર કરી નથી. અમાલે ચાહકોને તેની પ્રાઇવસીનું સન્માન કરવાની વિનંતી કરતાં ભાવુક અંદાજમાં ‘હવે મને વિદાય આપો’ તેમ કહ્યું હતું.
અમાલ મલિકે બોલિવૂડમાં સંગીતકાર અને ગાયક તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેના સંગીત સાથે ‘કૌન તુઝે’, ‘બોલ દો ના જરા’ અને ‘સોચ ના શકે’ સહિતનાં અનેક લોકપ્રિય ગીતો જોડાયેલા છે. ખાસ કરીને યુવા સંગીતપ્રેમીઓમાં અમાલના ગીતોની મોટી ચાહકવર્ગ છે.
હાલ અમાલ મલિકનો આ બ્રેક કેટલો લાંબો રહેશે અથવા તે ફરી ક્યારે ફિલ્મી સંગીતમાં સક્રિય થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. તેની પોસ્ટ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે હાલમાં તે પોતાના વ્યક્તિગત જીવન અને શાંતિને પ્રાથમિકતા આપવા માગે છે.