ગૌરીના ખુલ્લા વાળ અને સફેદ શર્ટથી પણ શાહરૂખને હતી વાંધો, પઝેસિવ સ્વભાવથી કંટાળીને ગૌરીએ આપી હતી સંબંધ તોડવાની ચેતવણી
સિમી ગ્રેવાલના ટીવી શોમાં શાહરૂખ ખાને જૂના દિવસોનો કર્યો હતો ખુલાસો; પ્રેમસંબંધમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ બંનેએ 25 ઓક્ટોબર, 1991ના રોજ કર્યા હતા લગ્ન
મુંબઈ, તા. 27
બોલિવૂડના લોકપ્રિય કપલ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી હંમેશાં ચર્ચામાં રહી છે. જોકે, તેમના સંબંધોના શરૂઆતના દિવસો એટલા સરળ નહોતા. એક સમય એવો પણ હતો જ્યારે શાહરૂખ ખાન ગૌરીને લઈને ખૂબ જ પઝેસિવ હતા. ગૌરીના પહેરવેશ અને દેખાવને લઈને પણ તેઓ પોતાની પસંદગી લાદવાનો પ્રયાસ કરતા હતા. આ વાતનો ખુલાસો ખુદ શાહરૂખ ખાને એક જૂના ઇન્ટરવ્યુમાં કર્યો હતો.
સિમી ગ્રેવાલના જાણીતા ટીવી શોમાં શાહરૂખ ખાને પોતાના સંબંધના શરૂઆતના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓ તે સમયે ખૂબ જ પઝેસિવ હતા. તેમના કહેવા પ્રમાણે, ગૌરી ખુલ્લા વાળ રાખે કે સફેદ શર્ટ પહેરે તે પણ તેમને પસંદ નહોતું. શાહરૂખના આ વર્તનથી તેમના સંબંધોમાં તણાવ ઊભો થયો હતો.
શાહરૂખના અતિશય પઝેસિવ સ્વભાવથી ગૌરી ખાન પણ પરેશાન થઈ ગયાં હતાં. ગૌરીએ જૂની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે બોયફ્રેન્ડ તરીકે શાહરૂખનું વર્તન તેમને પરેશાન કરતું હતું અને તે સમયે તેમની વિચારસરણી યોગ્ય નહોતી. આ સ્થિતિમાં ગૌરીએ શાહરૂખને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાના વ્યવહારમાં સુધારો નહીં કરે, તો તેઓ ફરી ક્યારેય તેમને મળશે નહીં.
ગૌરીની આ ચેતવણી તેમના સંબંધ માટે મહત્ત્વપૂર્ણ બની હતી. શરૂઆતના દિવસોમાં મતભેદો અને મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ બંનેએ પોતાના સંબંધને આગળ વધાર્યો હતો. આખરે, 25 ઓક્ટોબર, 1991ના રોજ શાહરૂખ ખાન અને ગૌરી ખાને લગ્ન કરી લીધાં હતાં.
આજે શાહરૂખ અને ગૌરી ખાન બોલિવૂડનાં જાણીતાં કપલમાં સ્થાન ધરાવે છે. તેમની લવસ્ટોરી એ વાત માટે પણ ચર્ચાય છે કે સંબંધની શરૂઆતમાં આવેલા મતભેદો અને પડકારો છતાં બંનેએ સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો હતો.


