યશની ‘ટોક્સિક’ને UKમાં 18+ સર્ટિફિકેટ, હિંસા અને બોલ્ડ સીનને મળ્યું 5માંથી 5 રેટિંગ

યશની ફિલ્મને લઈને રિલીઝ પહેલાં જ ચર્ચા તેજ, સેન્સર બોર્ડના સર્ટિફિકેટ બાદ ‘ટોક્સિક’ની સરખામણી ‘એનિમલ’ અને ‘ધુરંધર’ સાથે થવા લાગી

યશની ‘ટોક્સિક’ને UKમાં 18+ સર્ટિફિકેટ, હિંસા અને બોલ્ડ સીનને મળ્યું 5માંથી 5 રેટિંગ

મુંબઈ તા.૨૧
કન્નડ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મને લઈને પહેલેથી જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, ત્યારે હવે યુકે સેન્સર બોર્ડના સર્ટિફિકેટ બાદ તેની ચર્ચા વધુ તેજ બની છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મને બ્રિટનમાં 18 પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
યુકે સેન્સર બોર્ડના વર્ણન મુજબ ‘ટોક્સિક’માં હિંસા, બોલ્ડ સીન અને ઈન્જરી સાથે જોડાયેલા દૃશ્યોને કારણે ફિલ્મને કડક કેટેગરીમાં રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે હિંસા, બોલ્ડ સીન અને ઈન્જરી ડિટેલ જેવી ત્રણ કેટેગરીમાં ફિલ્મને પાંચમાંથી પાંચ રેટિંગ મળ્યું છે. જ્યારે થ્રિલ, થ્રેટ, ન્યૂડિટી અને ભાષા જેવી કેટેગરીમાં તેને પાંચમાંથી ચાર રેટિંગ આપવામાં આવ્યું છે.
સેન્સર બોર્ડના રિપોર્ટમાં ફિલ્મના કેટલાક દૃશ્યોને વિચલિત કરનારા ગણાવવામાં આવ્યા છે. તેમાં શારીરિક હિંસા, ઈજાના વિગતવાર દૃશ્યો અને અન્ય ગંભીર એક્શન સિક્વન્સનો સમાવેશ થાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર ‘ટોક્સિક’ની સરખામણી ‘એનિમલ’ અને ‘ધુરંધર’ જેવી હાઈ-વાયોલન્સ ફિલ્મો સાથે થવા લાગી છે.
‘ટોક્સિક’ને મળેલા આ સર્ટિફિકેટથી ફિલ્મના એક્શન અને ડાર્ક ટોન અંગે પણ ચાહકોની ઉત્સુકતા વધી છે. યશની આ ફિલ્મ મોટા બજેટમાં બની રહી છે અને તેને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
ફિલ્મમાં યશ સાથે બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે કન્નડ અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યું છે અને ભારતમાં તેનું હિન્દી ડબ વર્ઝન પણ રજૂ થવાનું છે.
હવે યશના ચાહકોની નજર ફિલ્મની થિયેટર રિલીઝ પર છે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ અંગે ઉપલબ્ધ વિગતોમાં અલગ-અલગ તારીખોનો ઉલ્લેખ જોવા મળે છે, તેથી સત્તાવાર રિલીઝ ડેટની પુષ્ટિ બાદ જ અંતિમ તારીખ માનવી યોગ્ય રહેશે.