જૂનાગઢના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ-૨૦૨૬નું રજિસ્ટ્રેશન શરૂ, ૨૨ સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી
એક ખેલાડી મહત્તમ બે રમતોમાં લઈ શકશે ભાગ; અંડર-૯થી અંડર-૧૭ના વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સમાં ભાગ લેવો ફરજિયાત
જૂનાગઢ તા.૨૯
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેલાડીઓ આગામી તા. ૨૨/૦૯/૨૦૨૬ના સાંજે ૬:૦૦ કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
ખેલ મહાકુંભ અંતર્ગત શાળા અને ગ્રામ્ય કક્ષા, તાલુકા અને ઝોન કક્ષા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષા, ટીમ રમતો માટે ઝોન કક્ષા તેમજ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. નિયત વયજૂથમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ khelmahakumbh.gujarat.gov.in પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સ રમતમાં ભાગ લેવો ફરજિયાત રાખવામાં આવ્યો છે. એક ખેલાડી પોતાના લાગુ પડતા વયજૂથમાં વધુમાં વધુ બે રમતોમાં જ ભાગ લઈ શકશે.
બે રમતોમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીએ બંને રમતો માટે એક જ KMK IDનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એક જ KMK IDથી બે રમતોમાં નોંધણી કરાવી વિજેતા થનાર ખેલાડી જ રોકડ પુરસ્કાર માટે પાત્ર ગણાશે. અગાઉથી KMK ID ધરાવતા ખેલાડીઓએ પોતાના જૂના IDથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ પોતાની શાળા મારફતે જ નોંધણી કરાવવાની રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા પોતાની કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે હાલમાં અભ્યાસ ન કરતા ખેલાડીઓ પોતાના વયજૂથ પ્રમાણે ખેલ મહાકુંભની વેબસાઇટ પરથી સીધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના હેલ્પલાઈન નંબર 9687932637 અથવા 7043805675 પર સંપર્ક કરી શકશે. જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા દ્વારા તમામ શાળા-કોલેજો, ખેલાડીઓ અને રમતપ્રેમીઓને સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરી ખેલ મહાકુંભ-૨૦૨૬માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.


