દીયા મિર્ઝાએ યાદ કર્યો 22 વર્ષ જૂનો મુશ્કેલ અનુભવ, કહ્યું- ‘સેંકડો પુરુષો સામે ઓછા કપડામાં શૂટિંગ કરવું પડ્યું’
‘તુમસા નહીં દેખા’ના ગીતના શૂટિંગ અંગે અભિનેત્રીનો ખુલાસો, ટીમના સહયોગથી આત્મવિશ્વાસ મળ્યો હોવાનું જણાવ્યું
મુંબઈ, તા.૨૯
બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાએ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક મુશ્કેલ અનુભવ શેર કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ના ગીત ‘મુઝે તુમસે મોહબ્બત હૈ’ના શૂટિંગને યાદ કરતાં જણાવ્યું કે તે સમયનો અનુભવ તેના માટે પડકારજનક હોવા સાથે જીવનમાં મોટો બદલાવ લાવનારો પણ રહ્યો હતો.
દીયાના જણાવ્યા પ્રમાણે, ગીતના શૂટિંગ દરમિયાન તેને સેટ પર હાજર મોટી સંખ્યામાં પુરુષોની સામે ખૂબ ઓછા કપડામાં પરફોર્મ કરવાનું હતું. એક યુવતી તરીકે તે સમયે આ પરિસ્થિતિનો સામનો કરવો તેના માટે અત્યંત મુશ્કેલ હતો અને શરૂઆતમાં તે પોતાના શરીરને લઈને પણ એટલી આત્મવિશ્વાસુ નહોતી.
જોકે, દીયાએ કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ અને ફિલ્મની ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે શૂટિંગ દરમિયાન ટીમે તેને સુરક્ષિત અને સહજ અનુભવ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સહયોગને કારણે તે આત્મવિશ્વાસ સાથે પોતાનું પરફોર્મન્સ આપી શકી હતી.
દીયાએ જણાવ્યું કે તે હૈદરાબાદના એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવી હતી અને શરૂઆતના સમયમાં પોતાના શરીરને લઈને આત્મવિશ્વાસનો અભાવ અનુભવતી હતી. પરંતુ ‘તુમસા નહીં દેખા’ અને ખાસ કરીને આ ગીતના અનુભવથી તેને પોતાના શરીરને સ્વીકારવા અને બોડી કોન્ફિડન્સ વિકસાવવામાં મદદ મળી હતી.
અભિનેત્રીએ પોતાના લાંબા અભિનય અનુભવ અંગે જણાવ્યું કે એક કલાકાર માટે પાત્રની સચ્ચાઈ અને તેની લાગણીઓને સમજવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. એકવાર આ સમજ વિકસે પછી સેટ પર 500 કે 1,000 લોકોની હાજરીથી પણ પરફોર્મન્સ પર અસર પડતી નથી. છેલ્લા 25 વર્ષ દરમિયાન અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી મળેલા અનુભવે તેને વધુ પરિપક્વ કલાકાર બનાવી હોવાનું દીયાએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ‘તુમસા નહીં દેખા’ હોલિવૂડ ક્લાસિક ‘પ્રિટી વુમન’થી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે અને તેનું દિગ્દર્શન અનુરાગ બાસુએ કર્યું હતું. ફિલ્મમાં દીયા મિર્ઝાએ બાર ડાન્સરનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ઈમરાન હાશ્મી એક અમીર યુવકની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અનુપમ ખેર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીયા મિર્ઝા તાજેતરમાં વેબ સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’માં જોવા મળી હતી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના હવાઈ મિશન પર આધારિત આ સિરીઝમાં જિમી શેરગિલ, સિદ્ધાર્થ, વિનય પાઠક, મનુ ઋષિ ચડ્ઢા, અભય વર્મા અને બરુણ સોબતી સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.


