ગ્રેમીમાં ભારતીય સંગીતને મિશ્ર પ્રતિસાદ, ‘ધુરંધર: ધ રિવેન્જ’ને એકપણ નોમિનેશન નહીં

ફિલ્મનાં ગીતો માટે આઠ કેટેગરીમાં એન્ટ્રી મોકલાઈ હતી; દેવાન ઇકમ્બરમ અને સુષાનું ‘વારુવૈઇ’ ગ્રેમી નોમિનેશન મેળવનારું પ્રથમ તમિળ ગીત બન્યું

ગ્રેમીમાં ભારતીય સંગીતને મિશ્ર પ્રતિસાદ, ‘ધુરંધર: ધ રિવેન્જ’ને એકપણ નોમિનેશન નહીં

મુંબઈ તા.18
ગ્રેમી એવોર્ડ્સમાં આ વખતે ભારતીય સંગીત જગતને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’નાં સંગીત અને ગીતોને વિવિધ કેટેગરીમાં સ્થાન અપાવવાના પ્રયાસો છતાં ફિલ્મ એકપણ ગ્રેમી નોમિનેશન મેળવવામાં સફળ રહી નથી. બીજી તરફ, દેવાન ઇકમ્બરમ અને સુષાના ગીત ‘વારુવૈઇ’એ ગ્રેમી નોમિનેશન મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ ગીત ગ્રેમી નોમિનેશન મેળવનારું પ્રથમ તમિળ ગીત બન્યું છે.
‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે સંગીતકાર શાશ્વત સચદેવ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંગીત અને ગીતોની ગ્રેમીની વિવિધ કેટેગરીમાં કુલ આઠ એન્ટ્રી મોકલવામાં આવી હતી. ફિલ્મનાં ગીતોને બેસ્ટ સોંગ રિટન ફોર વિઝ્યુઅલ મીડિયા, બેસ્ટ પોપ ડ્યૂઓ/ગ્રુપ પરફોર્મન્સ, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ, બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પરફોર્મન્સ અને બેસ્ટ રેપ પરફોર્મન્સ સહિતની કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે, આ તમામ પ્રયાસો છતાં ફિલ્મને અંતિમ નોમિનેશનમાં સ્થાન મળ્યું નથી.
બીજી તરફ, તમિળ ગીત ‘વારુવૈઇ’એ નોમિનેશન મેળવી ભારતીય સંગીત માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. દેવાન ઇકમ્બરમ અને સુષાના આ ગીતને મળેલી ઓળખને કારણે તમિળ સંગીત જગતમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વખતે ગ્રેમી નોમિનેશનમાં આંતરરાષ્ટ્રીય કલાકારોનું પણ પ્રભુત્વ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2027ના ગ્રેમી માટે રાયે 11 નોમિનેશન મેળવી યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે રોસાલિયાને નવ નોમિનેશન મળ્યાં છે. આ ઉપરાંત પોપ સંગીતની જાણીતી ગાયિકા બિયોન્સેએ પોતાની કારકિર્દીનું 100મું ગ્રેમી નોમિનેશન મેળવીને ખાસ સિદ્ધિ નોંધાવી છે. આમ, એક તરફ ‘ધુરંધર: ધ રિવેન્જ’ને નિરાશા મળી છે, તો બીજી તરફ પ્રથમ તમિળ ગીતના નોમિનેશનથી ભારતીય સંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે.