ગિરનાર લીલી પરિક્રમા માટે જીલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજજ : જીલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી
ગિરનાર લીલી પરિક્રમા તા.૨૦ નવેમ્બરની મધ્ય રાત્રીએ પ્રારંભ થશે : સમય કરતા પહેલા ન પહોંચવા ભાવિકોને અપીલ : જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક અક્ષય જાેષીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જૂનાગઢ, તા.૧૮
તા.૨૦ નવેમ્બરની મધ્યરાત્રીથી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગિરનાર લીલી પરિક્રમા પધારતા ભાવિકો માટે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવે છે અને વન વિભાગ દ્વારા માર્ગનું નિરીક્ષણ કરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ ઉમેર્યું કે, સાધુ-સંતો સાથે બેઠક યોજી તેમના સૂચનો મેળવ્યા બાદ પરિક્રમાના આયોજન અંગે જરૂરી ર્નિણયો લેવામાં આવ્યા છે. તા.૨૦ નવેમ્બરની મધ્યરાત્રિએ પ્રારંભ થશે. ભાવિકોએ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું નહીં. વહેલા પહોંચવાથી પ્રવેશદ્વાર પર ભીડ થવાની અને અન્ય શ્રદ્ધાળુઓને અગવડતા પડવાની શક્યતા છે. તેથી ભાવિકોએ સમયસર પહોંચીને વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પરિક્રમાના છેલ્લા દિવસે સવારે સાત વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. આ સમયમર્યાદામાં પ્રવેશ મેળવનારા ભાવિકોએ તે જ દિવસે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર આવી જવાનું રહેશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે ખાસ કરીને ગિરનાર વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પાંચ હજાર લીટરની ક્ષમતાના ૨૯ ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૫૧ ટેન્ક મૂકવામાં આવ્યા છે અને આગામી બે દિવસમાં તેમાં વધુ વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક ટેન્ક સાથે આઠથી દસ નળની વ્યવસ્થા છે. આ ઉપરાંત માળવેલા અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેથી ઉપરના વિસ્તારોમાં પણ ભાવિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.
પરિક્રમાના સમગ્ર માર્ગ પર પૂરતા પ્રમાણમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પરિક્રમા કરી શકે. આરોગ્ય સેવાઓ માટે રૂટ પર સાત સ્થળોએ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈનાત રહેશે. સાથે જ બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવનાથ ખાતે આઈસીયુ સેન્ટરનું સેટઅપ કરવામાં આવ્યું છે, જેથી કોઈ કટોકટીની સ્થિતિમાં દર્દીને બાઈક એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રેસ્ક્યૂ કરીને ભવનાથ ખાતે સારવાર માટે લાવી શકાય. તેમ પણ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તે સંદર્ભેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ભાવિકોને પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલ કરી હતી. પ્રવેશદ્વારો પર ચકાસણી ઉપરાંત પોલીસ અને વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ કરવામાં આવશે. ૧૦ જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. ગિરનારના નૈસિર્ગિક સૌંદર્યં અને વન્યજીવોના સંરક્ષણ માટે સૌએ સહયોગ આપવો જરૂરી છે.
ઓછા વરસાદના કારણે ગિરનારમાં સૂકાં પાંદડાઓનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આગ લાગવાનું જાેખમ પણ રહેલું છે. આ સ્થિતિને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પાંચ દવ ટુકડીઓ વિવિધ ઘોડીઓ પર તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત આશરે ૩૦ રાવટીઓ પર ફાયર બ્લોઅરની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોએ ધૂમ્રપાન સહિતની પ્રવૃત્તિઓ દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અને આગ ન લાગે તેની તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રીએ સવિશેષ અપીલ કરી હતી. પરિક્રમા દરમિયાન ભોજન બનાવતા ભાવિકોએ પણ વ્યવસ્થિત રીતે આગ બુઝાવીને જ આગળ વધવું જાેઈએ. વન વિભાગ પાસેથી મંજૂરી મેળવનાર અન્નક્ષેત્ર મંડળોને પણ પોતાના સ્થળે ફાયર એક્સ્ટિંગ્વિશરની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે.
પરિક્રમા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારીમાં પોલીસ તથા વન વિભાગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બંને વિભાગના અંદાજે ૨,૫૦૦ જેટલા કર્મચારીઓ ભવનાથ અને પરિક્રમાના રૂટ પર તૈનાત રહેશે. આ ઉપરાંત એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે, જેમાંથી એક ટુકડી આવી ચૂકી છે અને બીજી ટુકડી આગામી બે દિવસમાં પહોંચશે. વન વિભાગ અને પોલીસ દ્વારા વિસ્તારમાં આશરે ૧૭ સ્ટેટિક લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં સ્ટાફ તૈનાત રહેશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પાણીની અછતના કારણે જંગલમાં વન્યજીવો પાણીના સ્ત્રોતો તરફ આવી શકે છે. તેથી ભાવિકોએ પરિક્રમાના નિર્ધારિત માર્ગથી બહાર જવું નહીં અને જંગલમાં આવેલા પાણીના સ્ત્રોતોમાં ઉતરવું નહીં. આવા સ્થળોએ મગર હોવાની શક્યતા પણ હોવાથી વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ વન્યજીવ નજરે પડે તો તેની નજીક જવાને બદલે નજીકના વન વિભાગ અથવા પોલીસ કેન્દ્રને જાણ કરવી. તમામ કેન્દ્રો પર વાયરલેસની વ્યવસ્થા હોવાથી તાત્કાલિક સંકલન કરી શકાશે.
આ વર્ષે પાણીની અછતના કારણે તાપમાન પણ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકોએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને પાણીનો બગાડ ટાળવો. આગ અને વન્યજીવો સાથેના સંઘર્ષના જાેખમને ધ્યાનમાં રાખીને નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોએ પરિક્રમા ટાળવી વધુ હિતાવહ છે. દર વર્ષે અંદાજે ૮થી ૧૫ લાખ ભાવિકો પરિક્રમામાં જાેડાતા હોવાથી તમામ શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રને સહયોગ આપવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
જૂનાગઢ બહારના જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી આવતા ભાવિકોની સુવિધા માટે રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. જ્યારે એસટી વિભાગ દ્વારા આશરે ૨૫૦ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ભાવિકોને અવરજવરમાં સરળતા રહે તે માટે નાની બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રિક્ષા વ્યવસ્થા માટે પણ સંબંધિત એસોસિયેશન સાથે સંકલન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
યાત્રાળુઓનુ મુશકેલી ન પડે તે માટે વાહનવ્યવહારની વિશેષ વ્યવસ્થા : જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિના મેળાની જેમ જ ગિરનાર લીલી પરિક્રમામાં પણ યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનવ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ એકથી દોઢ લાખ કે તેથી વધુ યાત્રાળુઓ આવતા હોવાથી ૩૬ કિલોમીટરની પદયાત્રા દરમિયાન તેમને ઓછામાં ઓછી અગવડતા પડે તે હેતુથી વાહનવ્યવહારનું આયોજન કરાયું છે. ગિરનાર દરવાજા અને ભવનાથ તરફ આવવા-જવા માટેનો એક જ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનોનું નિયંત્રણ રાખવામાં આવશે.
ઉપરાંત રિક્ષા એસોસિયેશન સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા રિક્ષાઓને અધિકૃત પાસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાસ ધરાવતી રિક્ષાઓને ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય ફોરવ્હીલર અને વાહનો માટે પણ પાસની વ્યવસ્થા કરવામાં આવશે. આશ્રમમાં જતાં વાહનોને આશ્રમ સુધી જવાની મંજૂરી રહેશે, જ્યારે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનાં વાહનોને તેમના સ્થળ સુધી જવાની છૂટ આપવામાં આવશે. અન્ય વાહનો માટે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા રહેશે.
જૂનાગઢના નાગરિકો માટે બાઈક પર આવવા-જવા બાબતે કોઈ પાસની વ્યવસ્થા રાખવામાં આવી નથી અને તેઓ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જઈ શકશે. જાેકે, સાંજના સમયે આ માર્ગ પર યાત્રાળુઓની ભીડ વધુ રહેતી હોય, આમ, યાત્રાળુઓની સુવિધા માટે સાંજે ૬થી ૧૧ દરમિયાન બાઈકની અવરજવર અટકાવાશે. આ સમય દરમિયાન સ્થાનિક નાગરિકોએ પરિક્રમામાં આવતા ભાવિકોને મહેમાન ગણી તેમની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવા સહયોગ કરવા માટે અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ વધુમાં જણાવ્યું કે, અન્નક્ષેત્રો માટે પણ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્નક્ષેત્ર સંચાલકો રાત્રે ૧૧થી સવારે ૧૧ વાગ્યા સુધીના સમયગાળામાં દુકાનો ખુલ્લી હોય ત્યારે જરૂરી સામગ્રી લાવી શકશે. રાત્રિના સમયે માર્ગ પર ટ્રાફિક ઓછો રહેતો હોવાથી આ સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી યાત્રાળુઓને અવરજવરમાં ઓછામાં ઓછી અગવડતા પડે. કોઈ અનિવાર્ય સંજાેગોમાં પોલીસ વિભાગ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવશે અને સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ વન સંરક્ષક અક્ષય જાેષી ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.
• જંગલમાં આગનું જાેખમ ટાળવા પાંચ દવ ટુકડીઓ તૈનાત, ૩૦ રાવટીઓ ઉપર ફાયર બ્લોઅરની વ્યવસ્થા
• ગત વર્ષ કરતા પીવાના પાણીની સુવિધામાં વધારો, ૫૧ પાણીના ટેન્ક મુકાયા : માળવેલા અને નળપાણીની ઘોડી સુધી પીવાનું પાણી પહોંચાડાયું
• પરિક્રમાના રૂટ ઉપર ૭ સ્થળે આરોગ્ય ટીમ, બાઈક એમ્બ્યુલન્સ અને ભવનાથમાં આઈસીયુ સેન્ટરની વ્યવસ્થા
• રાત્રિના અંધકારમાં પણ સુરક્ષિત પરિક્રમા માટે પરિક્રમાના રૂટ ઉપર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા
• ગિરનારના વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સંરક્ષણ માટે પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, ૧૦ એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ કાર્યરત : ભાવિકોને પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે ન લાવવા અપીલ
• ભાવિકોની સુરક્ષા માટે પોલીસ અને વન વિભાગના ૨,૫૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે, એસડીઆરએફની બે ટુકડીઓ પણ રહેશે
• યાત્રાળુઓનુ મુશકેલી ન પડે તે માટે વાહનવ્યવહારની વિશેષ વ્યવસ્થા : જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા
• યાત્રાળુઓની સુવિધાઓ માટે સાંજે ૬થી રાત્રે ૧૧ સુધી બાઈકની અવરજવર અટકાવાશે : ભાવિકોની સલામતી માટે સ્થાનિકોને સહયોગની અપીલ
• અન્નક્ષેત્રોના સંચાલકો રાત્રે ૧૧થી સવારે ૧૧ દરમિયાન સામગ્રી લાવી શકાશે


