ગત રાત્રે કોમી એકતા, શાંતિના સંદેશા સાથે જૂનાગઢ શહેરમાં અલમ શરીફનું ઝુલુસ નીકળ્યું : હજારો શ્રધ્ધાળુઓએ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી
જૂનાગઢ તા. 24
ઈસ્લામ ધર્મનાં પયંગબર હઝરત મહમદ સાહેબનાં દોહીત્ર ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓએ આજથી 1400 વર્ષ પહેલા ઈરાકના કરબલાનાં રણમાં સત્ય અને ન્યાયને ખાતર શહાદત વહોરવામાં આવી હતી. આ શહાદતની યાદમાં છેલ્લા 1400 વર્ષથી મુસ્લીમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં મહોર્રમ માસ દરમ્યાન 10 દિવસ સુધી શહાદતનું પર્વ મનાવવામાં આવે છે. જેમાં વાએજ, શબીલ, તાજીયા, અલમ, સેજ વગેરે દ્વારા શહાદતની યાદ મનાવવામાં આવે છે. આ સંદર્ભમાં ગત રાત્રે જૂનાગઢ શહેરમાં પણ અલમ શરીફનું ઝુલુસ તેની દાયકાઓ જુની પરંપરા મુજબ નીકળ્યું હતું. અલમ શરીફનું ઝુલુસ ગીરનાર રોડ સ્થિત અલમ શરીફ હકીમસાહેબના ડેલાથી શરૂ થઈ સેજની ટાંકી, લીમડા ચોક, સર્કલ ચોક, દિવાન ચોક, માંડવી ચોક, ફ્રુટ બજાર, સાત હવેલી સહીત પરત તેના સ્થાને મોડી રાત્રે કોમી એકતા, ભાઈચારા, શાંતિના સંદેશા સાથે સંપન્ન થયું હતું. આ ઝુલુસમાં દાયકાઓથી સતત ઠંડા પાણી શરબતની મોબાઈલ સેવા આપનાર વયોવૃધ્ધ શ્રધ્ધાળુ નિજામભાઈ દાતારવાળાની અમુલ્ય સેવાની કદરરૂપે તેમનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નિજામભાઈ અને તેમના કાર્યકરોની ટીમ દ્વારા દાયકાઓથી મહોર્રમ માસ દરમ્યાન અલમ શરીફ તેમજ તાજીયાના ઝુલુસમાં ઠંડા પાણી, શરબતની સુવિધા પુરી પાડવામાં આવે છે જે ખુબ જ સરાહનીય છે. ઝુલુસ દરમ્યાન હિન્દુ મુસ્લીમ આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહયા હતાં. તેમજ પોલીસ તંત્રએ સતત ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. અલમ શરીફના ઝુલુસમાં આગેવાનો સર્વશ્રી બટુકભાઈ મકવાણા, અશ્વીનભાઈ મણીયાર, નિવૃત ડીવાયએસપી યુ.કે. મકવા, સલીમભાઈ ગુજરાતી, શફદરહુસેન સૈયદ, એસ.આઈ. બુખારી બાપુ, જીશાનભાઈ હાલેપોત્રા, વહાબભાઈ કુરેશી, મહેબુબભાઈ પંજા, મુન્નાબાપુ દાતારવાળા, સોહીલભાઈ સીદીકી, મુખ્તારબાપુ કાદરી, રેહાન બાબી, અયુબખાન દરબાર, ફીરોઝ શેખ વગેરે ઉપસ્થિત રહયા હતાં. અને તંત્ર સાથે સંકલન જાળવી ઝુલુસના સુચારૂ વ્યવસ્થા જાળવી રાખી હતી. ઝુલુસ દરમ્યાન એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાનાં માર્ગદર્શન અને સુચના હેઠળ એ ડીવીઝન પીઆઈ એ.બી. ચૌધરી, પીએસઆઈ ડી.બી. જાેષી, પીએસઆઈ વાય.એન. સોલંકી, પીએસઆઈ બી.પી. સોલંકી, સી ડીવીઝન પીએસઆઈ બ્લોચ, બી ડીવીઝન પીએસઆઈ મહેતા, અને સમગ્ર પોલીસ તેમજ ટ્રાફીક સાથે સતત ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. મોડી રાત્રે અલમ શરીફનું ઝુલુસ કોમી એકતા ભાઈ ચારા અને શાંતિના સંદેશા સાથે સંપન્ન થયું હતું.


